કામરેજની વાવ પ્રાથમિક શાળાનાં જરૂરિયાતમંદ બાળકોને રૂપિયા બે લાખની કિંમતનાં સ્કૂલ યુનિફોર્મનું દાન
સાત વર્ષ પહેલાં વડીલોનાં મોક્ષાર્થે રૂપિયા બે કરોડનાં દાનથી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ શાળાનું ભવ્ય બિલ્ડીંગ બાંધવામાં આવ્યું હતું
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કામરેજ તાલુકાની વાવ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં આશરે 500 જેટલાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ માટે રૂપિયા બે લાખ જેટલી માતબર રકમનું દાન પ્રાપ્ત થયું હતું. ગામનાં વતની દાતા પ્રભુભાઈ છોટુભાઈ ભક્ત (હાલ અમેરિકા) તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્કૂલ યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે યાદ કરવું ઘટે કે દાતાનાં જીવા પરિવાર તરફથી સાત વર્ષ પહેલાં એમનાં વડીલોનાં મોક્ષાર્થે લગભગ બે કરોડ જેટલાં દાનથી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ શાળાનું ભવ્ય બિલ્ડીંગ અને તેમાં જરૂરી તમામ સુવિધાઓ દાતાનાં પરિવાર તરફથી આપવામાં આવી હતી. દાતાનો પરિવાર વર્ષોથી અમેરિકા સ્થાયી હોવા છતાં પોતાનાં વતનની માટીને યાદ કરીને એનો ઋણ સ્વીકાર કરતાં રહે છે.
દર વર્ષે દાતા પરિવાર ગણવેશ સહાય કે અન્ય જરૂરી શૈક્ષણિક સહાય બાળકોને પૂરી પાડી પોતાની માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરી માનવતા મહેકાવે છે તે બદલ શાળાનાં આચાર્ય શ્રીમતી પ્રજ્ઞાબેન પટેલ દ્વારા દાતા પ્રભુભાઈ છોટુભાઈ ભક્ત પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.