જાહેર જનતાના સ્વાસ્થ્ય માટે સજાગ સાપુતારા નોટિફાઈડ તંત્ર
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટિમ સાથે વિવિધ હોટલોની આકસ્મિક તપાસણી હાથ ધરાઈ:
–
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૪: ચીફ ઓફિસર, નોટિફાઇડ એરિયા, સાપુતારાના માર્ગદર્શન હેઠળ, નોટીફાઈડ એરિયા કચેરી-સાપુતારા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ-વલસાડની ટિમે, સંયુક્ત રીતે ગિરિમથકની વિવિધ હોટલોની આકસ્મિક તપાસણી હાથ ધરી હતી.
દરમિયાન જાહેર જનતાના સ્વાસ્થ્યની ચિંતા કરતા આ પ્રશાસનિક ટીમે કુલ રૂપિયા ૩૧ હજાર ૩૮૯ ની કિંમતના ખાદ્ય સામગ્રીના જથ્થાનો નાશ કર્યો હતો. જ્યારે ૧૨ જેટલા સેમ્પલો પણ એકત્ર કરી, લેબોરેટરીમાં રવાના કરાયા હતા. આ ચકાસણીમાં ધ્યાને આવેલી ક્ષતિઓની પૂર્તતા કરવા માટે સંબંધિત દુકાનોના સંચાલકોને તાકીદ પણ કરવામાં આવી છે.
ચીફ ઓફિસર શ્રી સાગર મોવાલિયાના માર્ગદર્શન હેઠળ નાયબ મામલતદાર શ્રી પી.વી.પરમાર તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ-વલસાડના સેફટી ઓફિસર સર્વશ્રી કે.જે.પટેલ, સી.એન.પરમાર તથા આર.એમ.પટેલની સંયુક્ત ટીમે સાપુતારાની ૯ જેટલી હોટલો, ઉપરાંત પાંચ જેટલી લારીઓની આકસ્મિક તપાસણી હાથ ધરી હતી. જે પૈકી ચાર હોટલોમાંથી ચટણી, વાસી ખરાબ બોઈલ શાકભાજી, ખરાબ કાંદા બટાકા, લસણ, બ્રેડ, પનીર, ફુડ કલર આઈટમ, છાસ, દૂધ મળી કુલ કીમત રૂપિયા ૩૧ હજાત ૩૮૯ ના ૧૨૩ કિલોગ્રામ ખાદ્ય સામગ્રીના જથ્થાનો સ્થળ ઉપર જ નાશ કર્યો હતો.
–