સુરતનાં શ્રીજી સેવા એક્ટિવિટી ગૃપ દ્વારા ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓનાં બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ)  : શ્રીજી સેવા એક્ટિવિટી ગૃપ, સુરત દ્વારા તાજેતરમાં ઓલપાડ તાલુકાની 30 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કીટ વિતરણ કરી ‘વિદ્યા દાન શ્રેષ્ઠ દાન’નાં સૂત્રને સાર્થક કરવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારની જીવન વિકાસ ટ્રસ્ટ સંચાલિત શાળામાં યોજાયેલ શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ પ્રસંગે ગૃપનાં સંસ્થાપક અને પ્રેરક દિપકભાઈ શાહ, કલ્પેશભાઈ શાહ, ધવલભાઈ ઢબુવાલા તથા શૈલેષભાઈ દેસાઈ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ મિતેશ પટેલ, હર્ષદ ચૌહાણ, રાકેશ મહેતા સહિત લાભાર્થી શાળાઓનાં આચાર્ય તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2016 થી સેવાકીય પ્રવૃત્તિનાં ઉમદા હેતુસર આરંભાયેલ શ્રીજી સેવા એક્ટિવિટી ગૃપ, સુરતની પરોપકારી સુવાસથી અનેક જરૂરિયાતમંદ બાળકોનાં જીવનમાં રાજીપાનો સંચાર થયેલ છે. ગૃપનાં સર્વે સેવાભાવી સભ્યોની તેજોમય સખાવત દ્વારા કેટલાંય બાળકોનાં જીવનમાં પ્રકાશ પથરાઈને આનંદનાં અજવાળા થયા છે. ગૃપ દ્વારા નિ:સ્વાર્થભાવે જરૂરિયાતમંદ સરકારી પ્રાથમિક શાળાઓનાં બાળકોને દફતર, નોટબુક તથા અન્ય શૈક્ષણિક કીટ ઉપરાંત બૂટ મોજાં, સ્વેટર, માસ્ક, જળ સુવિધા, તિથિભોજન તથા દિવાળીએ ફટાકડાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે જે એક નોંધનીય બાબત છે.
કીટ વિતરણ પ્રસંગે શ્રીજી સેવા એક્ટિવિટી ગૃપનાં સંયોજક એવાં દિપકભાઈ શાહ તથા કલ્પેશભાઈ શાહે સંયુક્તપણે જણાવ્યું હતું કે અમારી સેવાનો આશય પ્રસિદ્ધિનો નથી બલ્કે નિર્દોષ બાળકોનાં ચહેરાઓ પર ખુશી લાવવાનો છે. આ તકે તેમણે સંતોષનો ભાવ વ્યક્ત કરી ઉપસ્થિત શિક્ષકગણ સાથે પ્રાસંગિક સંવાદ સાધી ભવિષ્યનાં આયોજન માટે મંતવ્યોની આપ-લે કરી હતી. દાનની સરવાણીની અંતે ઉપસ્થિત સૌએ દાતાનાં સૌજન્યથી પ્રિતિભોજનનો આસ્વાદ માણ્યો હતો. સૌએ પોતપોતાની શાળા વતી શ્રીજી સેવા એક્ટિવિટી ગૃપનાં સભ્યોનાં સામાજિક ઉત્તરદાયિત્વની સરાહના કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *