એક પેડ માં કે નામ અંતર્ગત ટીમ એક પ્રયાસ ટ્રસ્ટ દ્વારા ઓલપાડનાં મોર ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
અલગઅલગ જાતનાં અંદાજીત 300 જેટલાં વૃક્ષોનું ઉત્સાહભેર વાવેતર
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં દરિયાકિનારે આવેલા મોર ગામમાં ‘ટીમ એક પ્રયાસ’ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પર્યાવરણ બચાવવાનાં ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા ‘એક પેડ માં કે નામ’ થીમ જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત સુરત રામનગર વિસ્તારની ટીમ એક પ્રયાસ ટ્રસ્ટનાં કેટલાંક યુવાન મિત્રોએ જુદા જુદા 300 જેટલાં વૃક્ષો લઈ જઈને ઓલપાડ તાલુકાનાં દરિયાકાંઠે આવેલા મોર ગામે સ્થાનિક ડેપ્યુટી સરપંચ રાજભાઈની ઉપસ્થિતિમાં વાવેતર કર્યુ હતું.
આ સેવાયજ્ઞમાં પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા વિકાસ સેન્ટર ફોર ડેવલોપમેન્ટ અમદાવાદનાં ગોવિંદભાઈ પણ જોડાયા હતાં. જેમને વાવેતર કરવામાં આવેલ વૃક્ષોની સારસંભાળ રાખી તેને ઉછેરવાની ખાતરી આપવામાં આવી હતી. સદર કાર્યક્રમને ટીમ એક પ્રયાસ દ્વારા એકમેકનાં સંકલનથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો. પર્યાવરણ બચાવો કાર્યક્રમમાં સહભાગી થવા બદલ ટીમ એક પ્રયાસ ટ્રસ્ટનાં તમામ સભ્યોએ આનંદ સાથે ગૌરવની લાગણી અનુભવી હતી.