‘સક્ષમ શાળા’ અંતર્ગત ઓલપાડ તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓનાં પ્રિન્સિપલ તથા ફોકલ ટીચર્સ માટે દ્રિદિવસીય તાલીમ વર્ગ યોજવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સમગ્ર શિક્ષા ગાંધીનગર, ગુજરાત પ્રેરિત તથા યુનિસેફનાં સહયોગ અને સમગ્ર શિક્ષા, સુરત દ્વારા માર્ગદર્શિત ઓલપાડ તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓનાં પ્રિન્સિપલ તથા ફોકલ ટીચર્સ માટે દ્રિદિવસીય તાલીમ વર્ગનું આયોજન બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા અત્રેનાં બીઆરસી ભવન ખાતે કરવામાં આવ્યું હતું.
યુનિસેફ દ્વારા વિકસસાવવામાં આવેલ આ ‘સક્ષમ શાળા’ પહેલનાં સ્વચ્છ, હરિત, સલામત અને સ્થાયી જેવાં 4 મુખ્ય ક્ષેત્રો અને તેનાં 12 પેટા ક્ષેત્રો જેવાંકે પાણી, શૌચાલય, આરોગ્યરક્ષણ, હવા, જમીન, ઊર્જા, આબોહવા, જોખમ, સંરક્ષણ, સંચાલન, વર્તન અને સમાવેશ વિષયો ઉપર તજજ્ઞોએ ઉંડાણપૂર્વક ચર્ચા હાથ ધરી તાલીમાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતાં. બંને દિવસોએ તાલુકાનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ મિત્રો પરેશ પટેલ, રાકેશ મહેતા, અશોક પટેલ, મિતેશ પટેલ, તેજસ નવસારીવાલા, આશા ગોપાણી, હેમાલી પટેલ તથા રેશ્મા પટેલે તજજ્ઞ તરીકે ઉત્કૃષ્ટ સેવા બજાવી હતી.
સદર તાલીમ વર્ગમાં સંપૂર્ણપણે શાળા અને બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા સંદર્ભે તાલીમાર્થીઓ સમક્ષ ફાયર સેફ્ટી સંબંધિત ડેમોસ્ટ્રેશન રજૂ કરવામાં આવ્યું હતું. તાલીમ વર્ગનાં બીજા દિવસે ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળાની એક્સ્પોઝર વિઝિટ યોજવામાં આવી હતી. તાલીમનાં અંતિમ ચરણમાં પરસ્પર પ્રશ્નોત્તરી સાથે તાલીમાર્થીઓ દ્વારા પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે જિલ્લાનાં રિસોર્સ પર્સન અને ઓલપાડનાં બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે ઉપસ્થિત રહીને સદર ‘સક્ષમ શાળા’ તાલીમ અંતર્ગત દરેક શાળાઓ ભારત સરકારનાં અપેક્ષિત પ્રયોજનોને ફળિભૂત કરવા કટિબદ્ધ બને તે માટે અનુરોધ કર્યો હતો.
તા. 1 અને 2 ઓગષ્ટ દરમિયાન યોજાયેલ આ દ્રિદિવસીય તાલીમ વર્ગને સફળ બનાવવા સીઆરસી કો-ઓર્ડિનેટર હર્ષદ ચૌહાણ, રાકેશ પટેલ સહિત બ્લોક એમ.આઇ.એસ સંજય રાવળ, ડેટા ઓપરેટર સંજય પટેલ તથા સેવક હેમંત પરમારે જહેમત ઉઠાવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.