ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના સહિતનાં પડતર પ્રશ્નો સંદર્ભે રાજ્યનાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત શિક્ષણમંત્રીને રજૂઆત કરવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી જૂની પેન્શન યોજના સહિતનાં પડતર પ્રશ્નો બાબતે આંદોલન કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતાં ગતરોજ સતત ચોથી ટર્મ માટે પ્રમુખપદને વરેલાં દિગ્વિજયસિંહ જાડેજા તથા નવનિયુક્ત મહામંત્રી જૈમિન પટેલ સહિત રાજ્ય સંઘનાં હોદેદારોએ સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યકક્ષાનાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, કેબિનેટ કક્ષાનાં શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તથા રાજ્યકક્ષાનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાને આવેદનપત્ર રજૂ કર્યુ હતું.
આ પ્રસંગે રાજ્ય સંઘની ટીમ સાથે ઉપસ્થિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સદર આવેદનપત્રમાં 1/4/2005 પહેલાંનાં શિક્ષકોને સમાધાન મુજબ જૂની પેન્શન યોજના મુજબ પત્ર કરવા તેમજ 2005 પછીનાં શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવવા, વિધાનસભા ચૂંટણી 2022 પહેલાનાં સમાધાન અંગેનો પત્ર જારી કરવા, બદલી કેમ્પોનો કાર્યક્રમ જાહેર કરવા ઉપરાંત જ્ઞાનસહાયકની મુદ્દત પૂર્ણ થયે કરાર રિન્યૂ કરવા બાબતે નમ્ર રજૂઆત કરવામાં આવેલ છે. તેમણે આ બાબતે આવનારા દિવસોમાં સરકાર હકારાત્મક દિશામાં યોગ્ય નિર્ણય લેશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *