ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ તરીકે દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી તરીકે જૈમિન પટેલ સંગઠનનાં સૂત્રધાર બન્યા
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં હાલનાં પ્રમુખ, મહામંત્રી અને કારોબારી સભ્યોની મુદત પૂર્ણ થતાં નવા હોદ્દેદારોની નિમણૂક માટે 9 જુલાઈનાં રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ઉમેદવારીપત્રો પરત ખેંચાયા બાદ પ્રમુખ અને મહામંત્રી પદ માટે ત્રણ-ત્રણ ઉમેદવારો મેદાનમાં રહ્યાં હતાં. રાજ્યનાં સૌથી મોટા શૈક્ષણિક સંગઠન એવાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ અને મહામંત્રીનાં પદ માટે ગતરોજ ચાણક્ય ભવન, ગાંધીનગર ખાતે મતદાન યોજવામાં આવ્યું હતું. મતગણતરીનાં અંતે ફરી એકવાર પ્રમુખ તરીકે દિગ્વિજયસિંહ જાડેજા ચૂંટાઈ આવેલ છે. જ્યારે તેમની જ પેનલનાં મહામંત્રીનાં ઉમેદવાર જૈમિનભાઈ પટેલે પણ ચૂંટણીમાં જીત હાંસલ કરેલ છે.
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં અંદાજીત પોણા બે લાખ શિક્ષકોનાં સંગઠન એવાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી સંદર્ભે વધુ માહિતી આપતાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે આગામી 3 વર્ષની મુદ્દત માટે પ્રમુખ માટેની ચૂંટણીમાં કુલ 474 મતદારો પૈકી 472 મતદારોએ મતદાન કર્યું હતું. જે મતો પૈકી દિગ્વિજયસિંહ જાડેજાને 230 મત, સંજયભાઈ દવેને 218 મત જ્યારે ખોડુભાઈ પઢિયારને 1 મત મળતાં પ્રમુખ તરીકે દિગ્વિજયસિંહ જાડેજાનો 12 મતે વિજય થયો હતો. જ્યારે મહામંત્રી પદની ચૂંટણીમાં કુલ 472 નું મતદાન થયું હતું. જે પૈકી 469 મત માન્ય રહ્યાં હતાં. માન્ય મત પૈકી જૈમિનભાઈ પટેલને 227 મત, સુરતાનભાઈ કટારાને 218 મત જ્યારે જિજ્ઞેશભાઈ ગોરને 1 મત મળતાં મહામંત્રી તરીકે જૈમિનભાઈ પટેલનો 9 મતે વિજય થયો હતો. પ્રમુખ અને મહામંત્રીનાં પદ માટે અનુક્રમે ખોડુભાઈ પઢિયારે સંજયભાઈ દવેને જ્યારે જિજ્ઞેશભાઈ ગોરે સુરતાનભાઈ કટારાને ચૂંટણી પહેલાં ટેકો જાહેર કર્યો હતો. ભરૂચનાં 13 મત અને ગીર સોમનાથ જિલ્લાનાં 10 મત બંધ કવરમાં રાખવામાં આવ્યા છે. આ મત હાઈકોર્ટનાં ચુકાદાને આધીન ખુલશે. જોકે હાલનાં તબક્કે પ્રમુખ તરીકે દિગ્વિજયસિંહ જાડેજા 12 મતે જ્યારે મહામંત્રી તરીકે જૈમિનભાઈ પટેલ 9 મતે વિજેતા જાહેર થયા હતાં.
રિપોર્ટ: વિજય પટેલ (ઓલપાડ)