કરંજ કેન્દ્ર સંલગ્ન સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સનાતન ધર્મમાં દાનનું વિશેષ મહત્વ બતાવેલ છે. ત્યારે પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ સમજી સુરત શહેરનાં મોરાભાગળ સ્થિત શિવ શક્તિ એગ્રો એન્ડ સીડ્સનાં પ્રોપાઈટર જયંતિભાઈ પટેલ દ્વારા ઓલપાડ તાલુકાની વિવિધ શાળાઓ પૈકી કાંઠા વિસ્તાર સ્થિત ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓ કરંજ, કમરોલી તથા જીણોદમાં અભ્યાસ કરતાં ધોરણ 1 થી 5 નાં બાળકોને નિ:શુલ્ક શૈક્ષણિક કીટ ઉપરાંત ધોરણ 6 થી 8 નાં બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવી હતી.
સરકારી શાળાઓનાં બાળકોને અભ્યાસમાં સહાયરૂપ થવાનાં હેતુસર નોટબુક વિતરણ પ્રસંગે દાતા જયંતિભાઈ સાથે કોળી સમાજનાં યુવા કાર્યકર જિજ્ઞેશભાઈ પટેલ તથા સામાજિક અને શૈક્ષણિક અગ્રણી રાકેશભાઈ પટેલ પણ સહર્ષ જોડાયા હતાં. ત્રણેય શિક્ષણપ્રેમીઓએ બાળકોને પોતાનાં હસ્તે નોટબુક વિતરણ કર્યા બાદ પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં બાળકો સમક્ષ પ્રેરણાદાયી વાતો રજૂ કરી સૌને ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજમાં ઊંચું સ્થાન અંકિત કરવા અંગે આશીર્વચન પાઠવ્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે આ દાતાઓ દ્રારા પ્રતિવર્ષ જરૂરિયાતમંદ બાળકો માટે નિ:સ્વાર્થભાવે દાનની સરવાણી વહેતી આવી છે. જીણોદ ગામનાં માજી સરપંચ દિનેશભાઈ પટેલે દાતાઓનો પરિચય આપી તેમનાં સેવાકીય કાર્યોથી બાળકો તથા શિક્ષકોને માહિતગાર કર્યા હતાં. અંતમાં કરંજ, કમરોલી તેમજ જીણોદ પ્રાથમિક શાળાનાં આચાર્ય અનુક્રમે જાગૃતિ પટેલ, જ્યોતિ પટેલ તથા અંકિતા પટેલે શાળા પરિવાર વતી દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.