કરંજ પ્રાથમિક શાળામાં સંપૂર્ણ લોકશાહી ઢબે બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વિદ્યાર્થીકાળથી જ બાળકોમાં લોકશાહી પ્રથાનું બીજારોપણ થાય એવાં શુભ હેતુસર ઓલપાડ તાલુકાની કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કરંજ પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી.

બાળકોને લોકશાહીનાં પાઠ ભણાવવાનાં પ્રયાસરૂપે યોજાયેલ આ બાળ સંસદની ચૂંટણીમાં ઈવીએમ સ્ટાઈલથી શાળાનાં તમામ બાળકો સહિત શિક્ષકગણે ઉત્સાહભેર મતદાન કર્યુ હતું. આ તકે શાળાનાં સામાજિક વિજ્ઞાન વિષયનાં શિક્ષિકા પારૂલ પટેલે જણાવેલ હતું કે જેવી રીતે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ચૂંટણીની પ્રક્રિયા હોય તેવી તમામ પ્રક્રિયા આ બાળ સંસદની ચૂંટણીમાં કરવામાં આવી છે. જે બાળકોને શાળા અને સમાજ પ્રત્યે જાગૃત બનાવશે. વિવિધ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ચૂંટણી પ્રક્રિયામાં અલગ અલગ ફરજ નિભાવી હતી. આ પ્રસંગે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે ઉપસ્થિત રહીને મતદાનની ગતિવિધિઓ નિહાળી હતી.
સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બાદ શાળાનાં મહામંત્રી તરીકે ધોરણ 8 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી વિરાજ પંકજભાઈ રાઠોડ તથા ઉપમંત્રી તરીકે સાહિલ જગદીશભાઈ વસાવા વિજેતા જાહેર થયાં હતાં. ત્યારબાદ વિવિધ સમિતિઓની રચના કરી મંત્રીઓની નિમણૂંક કરવામાં આવી હતી. જેમણે શાળાનાં આચાર્યા જાગૃતિ પટેલ સમક્ષ વિધિવત શપથ ગ્રહણ કર્યા હતાં. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સુપેરે પાર પાડવા સ્ટાફગણનાં નિલેશ પટેલ, મિનાક્ષી પટેલ, પ્રેક્ષા પટેલ તથા અમિષા પટેલે જહેમત ઉઠાવી હતી. વિજેતાઓને સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ તથા એસ.એમ.સી. અધ્યક્ષ ચેતના પટેલે અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *