નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અંકલેશ્વરની મુખ્ય શાળા નંબર-1 ખાતે યોગ પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોગનાં પ્રચાર અને પ્રસાર અર્થે યોગ ક્રિયાઓનાં પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત મુખ્ય શાળા નંબર-1, અંકલેશ્વર ખાતે વિદ્યાર્થીઓ માટે યોગ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં પ્રારંભે શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા એવાં શિક્ષક સંઘનાં પ્રમુખ ગજેન્દ્ર પટેલે યોગનું મહત્વ સમજાવી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની કાર્યપ્રણાલીથી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતાં. અંકલેશ્વર તાલુકા યોગ કોચ અશોક ઓઝા દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ ક્રિયાઓનું નિદર્શન કરાવવામાં આવ્યું. આ પ્રસંગે યોગ પ્રશિક્ષક અતુલ જોશી, ઉમેશ મારસોનીયા, ઉમેશ દાંગરોશીયા તથા વિક્રમ રાવલ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. અંતમાં શાળાનાં મુખ્યશિક્ષિકા રેખાબેન વસાવાએ આભાર દર્શન કર્યું હતું.