બેડકુવા દુર ગામે પ્રાકૃતિક ખેતી માટે ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ
પ્રાકૃતિક ખેતીની તાલિમમાં ૨૫ જેટલી ખેડુત બહેનો ઉત્સાહભેર જોડાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૦ પ્રાકૃતિક કૃષિ અભિયાન 2024 અંતર્ગત વ્યારા તાલુકાના બેડકુવા દુર ખાતે પ્રાકુતિક ખેતી માટે તાલીમ ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ હતી.જેમાં ગામના ૨૫ જેટલા બેહેનોએ ભાગ લીધો હતો.ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવાના સરકારના પ્રયાસોને વધુ વેગવાન બનાવવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોના ભાગરૂપે સમગ્ર તાપી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ રહી છે.
જે અંતર્ગત તાજેતરમાં વ્યારા બેડકુવા દુર ખાતે પ્રાકૃતિક કૃષિ ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ હતી. ફાર્મર માસ્ટર ટ્રેનર પ્રતિકભાઇ ચૌધરીએ ગામના ખેડુત બહેનોને પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પદ્ધતી વિશે માહિતગાર કર્યા હતા. તેમજ જીવામૃત વિશે માહિતી આપી પ્રાકૃતિક ખેતીમાં જિવામૃતનુ મહત્વ અને તેને કેવી રીતે બનાવવામાં આવે છે, તેનો ખેતીમાં ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે લાઇવ ડેમો બતાવી બહેનોને માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. આત્મા વિભાગના ટેકનીકલ માસ્ટ્રર ટ્રેનર પી.એ.ગામીતે પણ પ્રાકૃતિક ખેતી અંગે માહિતી પુરી પાડી હતી.બહેનોએ પણ તાલીમમાં જોડાઇને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ઉત્સાહ બતાવ્યો હતો.
000