સુરત જિલ્લાનાં કામરેજ સ્થિત દાદા ભગવાન મંદિર ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ

Contact News Publisher

સભામાં ઉપસ્થિત રાજ્યકક્ષાનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાનાં હસ્તે ચાલુ ટર્મમાં નિવૃત્ત થયેલ રાજ્ય સંઘનાં વિવિધ હોદ્દેદારોનું વિશેષ સન્માન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા સુરત જિલ્લાનાં કામરેજ ચારરસ્તા સ્થિત દાદા ભગવાન મંદિર ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજયનાં તમામ જિલ્લા સંઘોનાં પ્રમુખ, મહામંત્રી, રાજ્યસંઘનાં હોદ્દેદારો ઉપરાંત રાજ્ય પ્રતિનિધિઓ, કારોબારી સભ્યો સહિત બચુભાઈ વસાવા, ગોકુળભાઈ પટેલ, બળવંતભાઈ પટેલ, અરવિંદભાઈ ચૌધરી તથા અનિલભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે રાજ્યકક્ષાનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહીને સભાની શોભા વધારી હતી.
પવિત્ર મંદિરનાં સાંનિધ્યમાં યોજાયેલ આ સભાનાં પ્રથમ શેષનમાં ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે દીપ પ્રજ્વલન થકી સભાની શરૂઆત કરવામાં આવી હતી. પ્રાર્થના બાદ રાજકોટ દુર્ઘટનાનાં મૃતકો તેમજ રાજ્યમાં અવસાન પામેલ નામીઅનામી શિક્ષકોને બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષકનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે સંગઠન, શિક્ષક અને શિક્ષણને કેન્દ્રમાં રાખી સૌને શાબ્દિક સ્વાગત દ્વારા આવકાર્યા હતાં. સિનિયર મંત્રી પ્રભાતસિંહ ખાંટે ગત એજન્ડાનું વાંચન કર્યુ હતું જ્યારે નાણાંમંત્રી રણજીતસિંહ પરમારે હિસાબો રજૂ કર્યા હતાં. ત્યારબાદ સભાનો દોર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી સતિષભાઈ પટેલે સંભાળ્યો હતો અને એજન્ડા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સદર કારોબારી સભાનાં દ્વિતીય શેષનમાં પ્રાથમિક શિક્ષકોને સ્પર્શતાં વિવિધ પ્રશ્નો જેવાં કે બદલી કેમ્પો ભરતી પહેલા કરવા અને 31 જુલાઈનાં સેટઅપ બાદ ત્વરિત ઓગસ્ટમાં કેમ્પો કરવા, સમાધાન મુજબ 2005 પહેલાં માટે જૂની પેન્શન યોજનાનો ઠરાવ અને 2005 પછીની ભરતી માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા, HTAT નિયમો તાત્કાલિક બહાર પાડવા, PFMS માં ગ્રાન્ટ 100 ટકા આપવા, વિદ્યાસહાયક માટે બદલી નિયમોમાં ફેરફાર કરવા, બદલી પામેલ શિક્ષકોને છૂટા કરવા, આચાર્ય એલાઉન્સમાં વધારો કરવા, નોન SOE શાળામાં જ્ઞાનસહાયક મૂકવા, 50 ટકા મોંઘવારી થતાં કેન્દ્રનાં ધોરણે ઘરભાડું ચૂકવવા, CPF ખાતા ખોલવામાં વિલંબ થાય તે વહેલી તકે ખોલવા, કન્ટીજન્સી દરોમાં વધારો કરવા જેવાં વિવિધ પડતર પ્રશ્નોની સઘન ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. તદ્ઉપરાંત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની આગામી ચૂંટણી બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
સભાની પ્રેરક ઉપસ્થિતિ એવાં રાજ્યકક્ષાનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા સાથે રાજ્ય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ શિક્ષકોનાં પડતર પ્રશ્નો સંદર્ભે પરસ્પર ચર્ચા કરી હતી. અંતમાં આભારવિધિ રાજ્ય સંઘનાં સિનિયર મંત્રી પ્રભાતસિંહ ખાંટે આટોપી હતી. સભાને સફળ બનાવવા કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનીની સમસ્ત ટીમે જહેમત ઉઠાવી હતી. આરંભથી અંત સુધી કાર્યક્રમનું સુચારુ સંચાલન યાસીનભાઈ મુલતાની દ્વારા કરવામાં આવ્યું હતું. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *