ઓલપાડની વડોલી પ્રાથમિક શાળાનાં તમામ બાળકોને નોટબુકનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત વડોલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકોને ગામનાં અગ્રણી મેહુલભાઈ મગનભાઈ પટેલ તરફથી નિ:શુલ્ક નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ખૂબજ ઉમદા વ્યક્તિત્વ ધરાવતાં મેહુલભાઈએ નિ:સ્વાર્થભાવે શાળા પ્રવેશોત્સવનાં શુભ અવસરે શિવાંગિનીકુમારી ચૌધરી (યુ.એસ. જનરલ એડ્મિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ, ગાંધીનગર), તાલુકા પંચાયત સદસ્ય વનરાજસિંહ બારડ, મામલતદાર એલ.આર. ચૌધરી, ગામનાં સરપંચ જ્યોત્સનાબેન બારડ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં સ્વહસ્તે બાળકોને નોટબુક વિતરીત કરી હતી. આ તકે ઉપસ્થિત સૌએ મેહુલભાઈની સખાવતને બિરદાવી તાળીઓનાં ગડગડાટથી વધાવી હતી.
પ્રારંભે શાળાનાં આચાર્ય પરેશભાઈ પટેલે સૌને શાબ્દિક આવકાર આપી શાળાનો ચિતાર રજૂ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાનાં બાળકોએ ઉપશિક્ષક ભરતભાઈ સોલંકીનાં સહયોગથી કર્યુ હતું. અંતમાં શાળાનાં ઉપશિક્ષક કાંતિભાઈ પટેલે ઉપસ્થિત મહાનુભવો, ગ્રામજનો તથા દાતા મેહુલભાઈનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.