ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રાજ્યનાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા છેલ્લાં 20 વર્ષથી અમલી બનાવેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકામાં સફળતાપૂર્વક સંપન્ન થયેલ છે. તારીખ 26 થી 28 જૂન દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમ અંતર્ગત તાલુકાની પ્રાથમિક શાળાઓ, આશ્રમશાળાઓ તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ 12 રૂટમાં વહેંચી દેવામાં આવી હતી. સરકારશ્રી દ્વારા નિયુક્ત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તથા તેમની સમગ્ર ટીમે નિયત શાળાઓમાં ઉપસ્થિત રહીને ધોરણ-1, ધોરણ-9, ધોરણ-11, બાલવાટિકા તથા આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને વિધિવત પ્રવેશ કરાવ્યો હતો. તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ઓલપાડનાં ધારાસભ્ય અને ગુજરાત સરકારનાં રાજય કક્ષાનાં મંત્રી મુકેશભાઈ પટેલ (વન અને પર્યાવરણ, પાણી પુરવઠા, ક્લાઇમેટ ચેન્જ) હિતેશ કોયા આઈ.એ.એસ. ડેવલપમેન્ટ કમિશ્નર, ગાંધીનગર), શિવાંગિનીકુમારી ચૌધરી (યુ.એસ. જનરલ એડ્મિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ, ગાંધીનગર) સહિત તાલુકાકક્ષા તથા જિલ્લા કક્ષાનાં અધિકારી-પદાધિકારીઓએ પ્રવેશ પામેલ બાળકોને આશીર્વચન પાઠવ્યા હતાં
આ ત્રિદિવસીય કાર્યક્રમમાં અધિકારી તથા પદાધિકારીઓનાં હસ્તે શ્રેષ્ઠ વિધાર્થીઓનું સન્માન, પાઠ્યપુસ્તક વિતરણ, દાતાઓનું સન્માન તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પ્રવેશ પામેલ દરેક બાળકને દાતાઓ તરફથી દફતર તેમજ શૈક્ષણિક કીટ ઉપરાંત યુનિફોર્મ, ભૌતિક સુવિધાનાં સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન તાલુકાની 105 પ્રાથમિક શાળાઓ, 14 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 2 આશ્રમશાળાઓમાં ધોરણ-1 માં 63 કુમાર અને 69 કન્યાઓ મળી કુલ 142 બાળકો, બાલવાટિકામાં 454 કુમાર અને 444 કન્યાઓ મળી કુલ 898 બાળકો જયારે આંગણવાડીમાં 144 કુમાર અને 150 કન્યાઓ મળી કુલ 294 બાળકોને વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે ધોરણ-9 માં 908 કુમાર અને 801 કન્યાઓ મળી કુલ 1709 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ-11 માં 476 કુમાર અને 497 કન્યાઓ મળી કુલ 973 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. અંદાજીત 14 લાખ જેટલી માતબર રકમ વસ્તુ સ્વરૂપે દાતાઓ તરફથી મળવા પામી હતી.
સદર કાર્યક્રમને સફળ બનાવવા બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, બી.આર.સી. ભવન સ્ટાફગણ, લાયઝન ઓફિસર્સ, તમામ મુખ્યશિક્ષકો, સ્ટાફગણ તથા શાળા વ્યવસ્થાપન સમિતિ સહિત જે તે માધ્યમિક શાળાઓનાં સંચાલકમંડળે ભારે જહેમત ઉઠાવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *