ડાંગ જિલ્લા માહિતી કચેરી ખાતે ‘વાંચનાલય’ શરૂ કરાયુ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૩૦: ડાંગ જિલ્લા માહિતી કચેરી-આહવા ખાતે ‘વાંચનાલય’ શરૂ કરાયુ છે.
આહવા સ્થિત PWD કોલોની ખાતે ચિલ્ડ્રન હોમની બાજુમાં કાર્યરત જિલ્લા માહિતી કચેરીના આ ‘વાંચનાલય’ ખાતે, અહીં આવતા દૈનિક અખબારો તથા સામયિકો ઉપરાંત, રાજ્ય સરકારનું મુખપત્ર અને યુવાનોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જેની ખૂબ માંગ રહે છે તેવું ‘ગુજરાત’ પાક્ષિક, વિવિધ ભરતી પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુ વિગેરેની જાણકારી પુરી પાડતું સાપ્તાહિક ‘ગુજરાત રોજગાર સમાચાર’ ઉપરાંત ધોરણ-૧૦/૧૨ પછીની શૈક્ષણિક કારકિર્દી અંગેનું માર્ગદર્શન પૂરું પાડતો ‘કારકિર્દી વિષેશાંક’ અને નામાંકિત સાહિત્યકારોની અનુભવી કલમથી લખાયેલા સાહિત્યના ગ્રંથ સમો દળદાર ‘ગુજરાત’ પાક્ષિકનો વાર્ષિક ‘દિવાળી અંક’ તથા રાજ્ય સરકારની જુદી જુદી યોજનાકીય જાણકારી પુરી પાડતા પ્રકિર્ણ પ્રકાશનો પણ, નગરના વાચકોને વાંચવા મળશે.
કચેરી કામકાજના દિવસે સવારના ૧૦:૩૦ થી સાંજના ૪ વાગ્યા સુધી વાચકો માટે ખુલ્લા રહેનાર આ ‘વાંચનાલય’ ખાતે, રાજ્ય સરકારના ‘ગુજરાત’ પાક્ષિક સહિત સાપ્તાહિક ‘રોજગાર સમાચાર’ નું લવાજમ પણ સ્વીકારવામાં આવશે.
વાંચનાલયની આ સુવિધાઓનો લાભ લેવા, જિલ્લા માહિતી કચેરી દ્વારા પ્રબુદ્ધ નાગરિકોને અનુરોધ કરાયો છે.
–