કેવિકે- વ્યારા ખાતે પ્રાકૃતિક ખેતી વિષય ઉપર ખેડૂત વૈજ્ઞાનિક ચર્ચા યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આત્મા-તાપી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-તાપીના સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કેવિકે-વ્યારા ખાતે પ્રાકૃતિક ખેતી વિષય ઉપર ખેડૂત વૈજ્ઞાનિક ચર્ચા યોજાઇ હતી. જેમાં તાપી જિલ્લાના ૭૧ ખેડૂત ભાઇઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમના મુખ્ય મહેમાન અને કેવિકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. ડી. પંડ્યાએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી ખેડૂતોને ખેતી ખર્ચ ઘટાડી પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત કર્યા હતા. વધુમાં તેમણે ખેતીક્ષેત્રે બજાર વ્યવસ્થાપન માટે નવીન પદ્ધતિઓ અપનાવવા સૂચનો કર્યા હતા.
શ્રી એ. કે. પટેલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા-તાપી દ્વારા મોડેલ પ્રાકૃતિક ફાર્મ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વધુમાં તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવી વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોને આહવાન કર્યુ હતું.
શ્રી તુષાર ગામીત, નાયબ બાગાયત નિયામક, તાપી દ્વારા બાગાયતી પાકોમાં વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી અને પ્રાકૃતિક ખેતી પધ્ધતિ થકી શાકભાજી અને ફળપાકોનું ગુણવત્તાસભર ઉત્પાદન લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
શ્રી નિતીન ગામીત, નાયબ ખેતી નિયામક, સુરત દ્વારા પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ સમજાવી ખેડૂતોને ઝેર-મુકત ખેતી તરફ વળવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. વધુમાં તેમણે પ્રાકૃતિક ખેત ઉત્પાદનો થકી માનવ સ્વાસ્થ્યને થતા ફાયદાઓ વિશે સમજણ આપી હતી.
ડૉ. અર્પિત જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (કૃષિ વિસ્તરણ)એ પ્રાકૃતિક ખેત ઉત્પાદનના બજાર વ્યવસ્થાપન વિશે માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં ડૉ. ઢોડિયાએ એગ્રોટુરિઝમ થકી શહેરનો રૂપિયો ગ્રામ્ય વિસ્તારમાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એ માટે માર્ગદર્શન આપ્યું હતું.
ડૉ. ધર્મિષ્ઠા એમ. પટેલ, વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો વિશે માર્ગદર્શિત કરી બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. ડૉ. એચ. આર. જાદવ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) દ્વારા ખેતીપાકોમાં થતાં વિવિધ રોગ જીવાતોના નિવારણ કરવાની વિવિધ પ્રાકૃતિક પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શ્રી પ્રકાશભાઈ ચૌધરી, સંયોજક-પ્રાકૃતિક ખેતી, તાપીએ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત વિશે જાણકારી આપી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોને FPO સાથે મળી વેચાણ કરવા ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા. તેમજ શ્રી નિરવ એન. મકાણી, ટ્રેનિંગ આસિસ્ટન્ટ અને ફાર્મ મેનેજર દ્વારા કેવિકેના વિવિધ નિદર્શન એકમો અને પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં મુંઝવતા વિવિધ પ્રશ્નોનુ વૈજ્ઞાનિકશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કરીને સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે આભારવિધિ અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી ઘનશ્યામ બી. ઢોલે, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા-તાપી દ્વારા કરવામાં આવ્યું હતું.