ઓલપાડનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : શહેરથી લઈને છેવાડાનાં ગામડા સુધીનું એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજ્યમાં કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ કાર્યકમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ શિક્ષણરથ આજે 21માં વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે રાજ્યભરની પ્રાથમિક શાળાઓની સમાંતર ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં તા. 26 થી 28 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમનાં ભાગરૂપે તાલુકા પંચાયત, ઓલપાડનાં કારોબારી અધ્યક્ષ જયેશભાઇ પટેલે પારડીઝાંખરી પ્રાથમિક શાળા, જીણોદ પ્રાથમિક શાળા, નઘોઈ પ્રાથમિક શાળા, મોર મુખ્ય પ્રાથમિક શાળા, મોર હાઈસ્કૂલ તથા ભગવા પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહીને આંગણવાડી, બાલવાટિકા તથા ધોરણ 1 નાં ભૂલકાઓ તેમજ ધોરણ 9 અને ધોરણ 12 નાં વિદ્યાર્થીઓને વિધિવત શાળા પ્રવેશ કરાવ્યો હતો. તેમની સાથે જિલ્લા પંચાયત, સુરતનાં સદસ્ય કરિશ્માબેન રાઠોડ તથા તાલુકા પંચાયત, ઓલપાડનાં માજી કારોબારી અધ્યક્ષ જયેશભાઇ પટેલ પણ જોડાયા હતાં. આ પ્રસંગે ત્રણેય મહાનુભવોએ પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં પ્રવેશ પામેલ બાળકોને ભણીગણીને ખૂબ પ્રગતિ કરે અને પોતાનાં પરિવાર, શાળા તેમજ ગામનું નામ રોશન કરે એવી હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. તેમણે સરકારશ્રીનાં આ ત્રિદિવસીય જ્ઞાન યજ્ઞમાં જોડાવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
દરેક શાળાઓમાં પ્રવેશ પામેલ બાળકોને દફતર તેમજ શૈક્ષણિક કીટ, વિશેષ સિદ્ધિ હાંસલ કરેલ બાળકોને ઈનામ અર્પણ કરવામાં આવ્યા હતાં. આ સાથે દાતાઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં અંતે દરેક શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.