ત્રિદિવસીય કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો ઓલપાડ તાલુકામાં દબદબાભેર પ્રારંભ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વધઈ) :  સમગ્ર શિક્ષા અંતર્ગત ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં આંગણવાડી, બાલવાટિકા અને પહેલા ધોરણમાં પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ અપાવીને ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે મોટી સિધ્ધિ હાંસલ કરવા રાજય સરકારશ્રીએ અમલી બનાવેલ ‘કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમનો સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકામાં દબદબાભેર પ્રારંભ થયો. તાલુકાની 105 પ્રાથમિક, 14 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પૈકી પ્રથમ દિવસે 39 શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સરકારશ્રી દ્વારા નિયુકત અધિકારીઓ, પદાધિકારીઓ અને તેમની સમગ્ર ટીમે નિયત શાળાઓમાં હાજરી આપી પ્રવેશોત્સવ કરાવ્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા ગામેગામની પ્રાથમિક શાળાઓમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. વાલીઓ તેમજ ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ- 1, 9 અને 11માં બાળકોને શાળામાં આવકાર આપવામાં આવ્યો હતો. આ તકે બાળકોને મીઠાઈ, ચોકલેટ વડે મોં મીઠુ કરવામાં આવ્યું હતું. આ સાથે જ તેમને શાળામાં વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રવેશ પામેલ દરેક બાળકને દાતાઓ તરફથી દફતર તેમજ શૈક્ષણિક કીટ ઉપરાંત યુનિફોર્મ, ભૌતિક સુવિધાનાં સાધનો અર્પણ કરવામાં આવ્યા હતાં. દરેક શાળાઓમાં ધોરણ 1 થી 12 માં ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં 1 થી 3 નંબરે ઉત્તિર્ણ થયેલ બાળકોને ઉપસ્થિત મહાનભવોનાં હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતાં.
કાર્યક્રમનાં ભાગરૂપે ઓલપાડનાં ધારાસભ્ય અને ગુજરાત સરકારનાં રાજય કક્ષાનાં મંત્રી મુકેશભાઈ પટેલ (વન અને પર્યાવરણ, પાણી પુરવઠા, ક્લાઇમેટ ચેન્જ) સાયણ, કોબા અને ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળાઓમાં ઉપસ્થિત રહયાં હતાં. તેમણે 2.15 કરોડનાં માતબર ખર્ચે નવનિર્મિત ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળાનાં સંકુલનું ઉદઘાટન કરી પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં સમગ્ર ગુજરાતમાં કન્યાઓને શિક્ષણનું પ્રમાણ ઉંચું લાવવાની સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓની છણાવટ કરી હતી. તેમણે તાલુકાની પ્રાથમિક શાળાઓ લોકભાગીદારી થકી તમામ ક્ષેત્રે ગતિવંત બની છે ત્યારે આપણું બાળક એમાં પાછળ ન રહી જાય એ માટે સૌને અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યુ હતું કે આજે સરકારી શાળાઓ આધુનિક સુવિધાયુક્ત બની છે જેનાં પરિણામસ્વરૂપ હવે ખાનગી શાળાઓને બદલે સરકારી પ્રાથમિક શાળાઓ તરફ વાલીઓ આકર્ષાયા છે. જ્યારે શિવાંગિનીકુમારી ચૌધરી (યુ.એસ. જનરલ એડ્મિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ, ગાંધીનગર) અટોદરા, પરીયા અને સાયણ ટાઉનની ડી.આર.જી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં ઉપસ્થિત રહયાં હતાં. તેમણે પોતાનાં ઉદબોધનમાં જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાક વર્ષનાં રાજય સરકારનાં શ્રેષ્ઠ પ્રયાસો થકી કન્યા કેળવણીને ઉત્તેજન મળ્યું છે. બીજી તરફ હિતેશ કોયા આઈ.એ.એસ. ડેવલપમેન્ટ કમિશ્નર, ગાંધીનગર) કુંદિયાણા, લવાછાચોર્યાસી અને ઝેડ.એમ. પટેલ વિદ્યાલયમાં ઉપસ્થિત રહયા હતાં. તેમણે જણાવ્યું હતું કે પ્રવેશોત્સવ થકી રાજયમાં ડ્રોપ આઉટનો દર ઘટવા પામ્યો છે. તેમણે કન્યા કેળવણી, સ્થાયીકરણ અને ગુણવત્તાલક્ષી શિક્ષણ ઉપર ખાસ ભાર મૂકયો હતો.
કાર્યક્રમ અંતર્ગત પ્રથમ દિવસે 39 શાળાઓમાં ધોરણ-1 માં 41, ધોરણ-9 માં 657 ધોરણ-11 માં 289 બાળકોને, બાલવાટિકામાં 381 જયારે આંગણવાડીમાં 128 બાળકોને વિધિવત શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કુલ રૂા. 4,91,211 જેટલી માતબર રકમ વસ્તુ સ્વરૂપે દાતાઓ તરફથી મળવા પામી હતી. જયારે કુલ રૂા. 9000 જેટલી રોકડ રકમ પણ શાળાઓને પ્રાપ્ત થઈ હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *