વ્યારા તાલુકાના દડકવાણ ખાતે આવેલ નદીમાં ડુબતા લોકોને સફળતાપૂર્વક બચાવાયા
ઘટનાના અંતે પ્રિ-મોન્સુન કામગીરી સંદર્ભે મોકડ્રિલ યોજાયેલી હોવાનું જાહેર
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૨૪ ચોમાસુ- ૨૦૨૪ની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભારે વરસાદના કારણે પુર જેવી પરિસ્થિતિ ઉભી થવાની સ્થિતિમાં જાનમાલની નુકશાનીમાં ઘટાડો થાય તેમજ આવા સમયે લોકો સાવચેત રહે તે માટે તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારોમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીની ચકાસણી કરવા માટે વિવિધ મોકડ્રિલનું આયોજન કરવામાં આવે છે.
જેના ભાગરૂપે આજે મામલતદાર કચેરી વ્યારા, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગના સયુંક્ત ઉપક્રમે તાપી જીલ્લાના વ્યારા તાલુકાના દડકવાણ ખાતે આવેલ નદીમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
વ્યારા તાલુકાના દડકવાણ ખાતે આવેલી નદીના પાણીમાં કેટલાક વ્યક્તિઓ ડુબતા હોવાની જાણ થતા વ્યારા ફાયર વિભાગની ટીમ,આરોગ્ય વિભાગની ટીમ,વ્યારા મામલતદાર કચેરીના અધિકારી-કર્મચારીઓ પોલિસ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ડુબતા વ્યક્તિઓને ફાયર વિભાગની ટીમ દ્વારા સલામત રીતે બાહર કાડી લેવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પ્રાથમિક સારવાર બાદ તેઓ સ્વસ્થ હોવાની અને આ ઘટના મોકડ્રિલ હોવાનું જણાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
મોકડ્રિલમાં તાલુકા પંચાયત વ્યારા, પોલીસ સ્ટેશન વ્યારા, આરોગ્ય વિભાગ, ૧૦૮ ટીમ, ફાયર ફાઈટર ટીમ, સંબંધિત ગામના તલાટીશ્રી તથા સરપંચશ્રી, સ્થાનિક તરવૈયા, ગામલોકો વિગેરે દ્વારા ભાગ લેવામાં આવેલ હતો.
000