અણુમાલા-વ્યારા એસ.ટી. બસને લીલીઝંડી આપીને પ્રારંભ કરાવતા આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ
સોનગઢ-વ્યારાના અંતરિયાળ વિસ્તારના ગામડાના લોકોને એસ.ટી.બસની સુવિધા મળી રહેશે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૧ :- તાપી જિલ્લાના સોનગઢ અને વ્યારા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામડાના લોકોને વ્યારા સુધી આવવા-જવા માટે એસ.ટી.બસની સુવિધાની જરૂરિયાત હતી. લોકલાગણીને કેન્દ્રમાં રાખીને રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ આજરોજ અણુમાલા-વ્યારા એસ.ટી.બસ.ને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
મંત્રી શ્રી કુંવરજી હળપતિએ “સલામત સવારી, એસ.ટી.અમારી” સૂત્રને સાર્થક કરવા માટે બસમાં મુસાફરી કરીને મુસાફરો સહિત કન્ડકટરને સ્વચ્છતા જાળવવા અંગે અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મંત્રીશ્રી હસ્તે લોકાર્પણ કરાયેલી નવીન લોકલ બસ સવારે ૯:૩૦ કલાકે અણુમાલાથી વ્યારા જવા માટે ઉપડશે. જે સાંજે ૧૭:૦૦ કલાકે વ્યારાથી અણુમાલા પરત ફરશે. અહીંના શાળા-કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોની સુવિધામાં વધારો થયો છે. એસ.ટી.બસ સેવાનો પ્રારંભ થતા આ વિસ્તારના લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે વાહન વ્યવહાર વિભાગ, આદિજાતિ વિભાગ, માહિતી વિભાગ,પોલીસ વિભાગના અધિકારી, કર્મચારીઓ, અણુમાલાના માજી સરપંચ શૈલેષ ચૌધરી, સામાજીક અગ્રણી રોશનભાઈ ગામીત સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
000