કામરેજ તાલુકા પંચાયત ભવન ખાતે શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલ દ્વારા શાળા પ્રવેશોત્સવ અને શાળા સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : આગામી શાળા પ્રવેશોત્સવ તેમજ શાળા સલામતી અંતર્ગત તાલુકા પંચાયત ભવન, કામરેજ ખાતે કામરેજ તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓનાં આચાર્યોને માર્ગદર્શન અર્થે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં પ્રારંભે તાજેતરમાં આકસ્મિક અવસાન પામેલ અંત્રોલી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષિકા સ્વ. ભાવનાબેન જોધાણીને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જ્યોતિબેન પટેલ દ્વારા ઉપસ્થિત સૌને શાબ્દિક આવકાર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે કાર્યક્રમનાં અધ્યક્ષ એવાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલે પોતાનાં મનનીય વક્તવ્યમાં એક આચાર્ય તરીકે મારું શું કર્મ હોઈ શકે ? સંસ્થાનાં વડા તરીકે મારી શું ફરજ હોઈ શકે ? તે બાબતે વિસ્તારપૂર્વક પ્રકાશ પાડ્યો હતો. આ સાથે તેમણે શિક્ષકનાં કર્મ અને ધર્મ વિષયક ખૂબજ મૂલ્યલક્ષી પ્રેરણાદાયી વાતો રજૂ કરી હતી.
જોગાનુજોગ આજરોજ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલનો જન્મદિવસ હોઈ તેમને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ દ્વારા શાલ ઓઢાડીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ તકે કિરીટભાઈ પટેલ સૌનો આભાર વ્યક્ત કરી પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષક પોતાનાં હક સાથે ફરજ પરત્વે પણ વફાદાર હોય એજ સાચો શિક્ષક ધર્મ છે.
સદર કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકાનાં તમામ આચાર્યો, સીઆરસી-બીઆરસી ઉપરાંત કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદાર મિત્રોને શાળા સલામતી, શાળા સ્વચ્છતા તથા સરકારની વિવિધ યોજનાઓથી અવગત કરવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોસમાડી પ્રાથમિક શાળાનાં આચાર્ય યાસીનભાઈ મુલતાનીએ કર્યું હતું. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.