ધી ઓલપાડ, સાયણ, કીમ નાગરિક ધિરાણ સહકારી મંડળી લિ. ઓલપાડ દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ધી ઓલપાડ, સાયણ, કીમ નાગરિક ધિરાણ સહકારી મંડળી લિ. ઓલપાડ દ્વારા આજરોજ ઓલપાડ નગર સ્થિત ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોને નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંડળીનાં પ્રમુખ પરિમલભાઈ મોદી, ડિરેક્ટર સુરેશભાઈ ગુપ્તા અને શારદાબેન પટેલ તથા મંડળીનાં સ્ટાફગણ સહિત ઈન્ચાર્જ મેનેજર નરેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાનાં આચાર્યા કૈલાશબેન વરાછીયા સહિત શિક્ષકગણે ઉપસ્થિત મહાનુભવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ હતું.
કાર્યક્રમ અંતર્ગત મંડળી દ્વારા લગભગ 2000 જેટલી નોટબુકો વિતરીત કરવામાં આવી હતી. મંડળીનાં પ્રમુખ પરિમલભાઈ મોદી તથા ડિરેક્ટર સુરેશભાઈ ગુપ્તાએ પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં બાળકોને ભણીગણીને ખૂબ પ્રગતિ કરવાનાં આશીર્વચન સાથે શુભેચ્છા પાઠવી હતી. આ તકે બાળકોનાં ચહેરાઓ ઉપર આનંદ અને સંતોષનો ભાવ સ્પષ્ટ વંચાઈ રહ્યો હતો. અંતમાં શાળાનાં આચાર્યા કૈલાશબેન વરાછીયાએ પરિમલભાઈ મોદી સહિત મંડળીની ઉમદા સખાવતની સરાહના કરી શાળા પરિવાર વતી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.