સર્વોદય વિદ્યાલય સેગવાછામા ખાતે ઓલપાડ તથા ચોર્યાસી તાલુકાનાં મુખ્યશિક્ષકો માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો
સારો શિક્ષક સમજણ આપે છે, ઉત્તમ શિક્ષક નિર્દેશન આપે છે જ્યારે મહાન શિક્ષક પ્રેરણા આપે છે : જયેશ પટેલ (જિ.પ્રા. શિક્ષણાધિકારી)
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : નવી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા ઓલપાડ તથા ચોર્યાસી તાલુકાનાં મુખ્યશિક્ષકોનાં માર્ગદર્શન અર્થે સર્વોદય વિદ્યાલય, સેગવાછામા ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સેમિનારમાં ઓલપાડ તથા ચોર્યાસીનાં ઇન્ચાર્જ તાલુકા શિક્ષણાધિકારીઓ, શિક્ષક સંગઠનનાં હોદ્દેદારો, સી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ, સ્થાનિક શાળાનાં ટ્રસ્ટ પ્રમુખ તથા આચાર્ય ઉપસ્થિત રહ્યાં હતાં.
સ્થાનિક શાળાની બાળાઓએ રજૂ કરેલ પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ઓલપાડનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે ઉપસ્થિત મહાનુભવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી શાબ્દિક સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે સેમિનારનાં અધ્યક્ષ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલે જણાવ્યું હતું કે જેનું આચરણ શ્રેષ્ઠ તે આચાર્ય. શાળાની સુંદર વ્યવસ્થા અને સંચાલન સહિત બાળકોનાં વાલીઓ સાથનો સાતત્યપૂર્ણ વ્યવહાર થકી જ શાળાનો સર્વાંગી વિકાસ શક્ય છે. તેમણે ઉમેર્યુ હતું કે પ્રવર્તમાન સમયમાં શિક્ષણ વર્ગની ચાર દીવાલોમાંથી બહાર આવીને વિશ્વ સ્તરે વિસ્તરી ચૂક્યું છે ત્યારે વિદ્યાર્થીઓ માત્ર શ્રોતાઓ રહ્યાં નથી. વિવિધ માધ્યમો દ્વારા અનેકવિધ જ્ઞાન પીરસાઈ રહ્યું છે ત્યારે આવા સંજોગોમાં શિક્ષકે માત્ર માહિતીનાં ઢગલાથી વિદ્યાર્થીઓનાં માનસિક ભારને વધારવાને બદલે પોતાનાં વર્ગખંડમાં એવું વાતાવરણ ઊભું કરવાનું છે જેમાં વિદ્યાર્થી જાતે શીખતો થાય. આપણે આદર્શ આચાર્ય કે શિક્ષક તરીકે પોતપોતાની જવાબદારીને નિભાવવી પડશે, ત્યારે ને ત્યારે જ દેશનાં ભાવિનો આદર્શ પાયો નાંખી શકાશે.
સદર સેમિનારમાં ઉપસ્થિત તાલુકાનાં મુખ્યશિક્ષકોને શાળા પ્રવેશોત્સવ તથા તેનાં આયોજન, શાળાની ભૌતિક સુવિધાઓ, ફાયર સેફ્ટી, ઓનલાઇન કામગીરી, મધ્યાહન ભોજન, વૃક્ષારોપણ, વિવિધ તાલીમ ઉપરાંત શાળાનાં સર્વાંગી વિકાસ બાબતે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતાં. અંતમાં આભારવિધિ ચોર્યાસીનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર પરેશ ટંડેલે આટોપી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીથાણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ મહેતાએ કર્યુ હતું. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.