“પસ્તી થી પુસ્તક દાન” : વ્યારા નગરમાં શ્રી માધવ સેવા ટ્રસ્ટ દ્વારા બાળકોને નોટબુક વિતરણ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા ખાતે શ્રી માધવ સેવા ટ્રસ્ટ દ્વારા નગરમાંથી પેપર પસ્તી એકઠી કરી તેમથી મળતી આર્થિક નિધિ તથા દાતાઓના સહયોગથી છેલ્લાં ત્રણ વર્ષથી નગરના વિવિધ વિસ્તારોમાં રહેતા જરૂરિયતમંદ પરિવારોના બાળકોને નોટબુક, દફતર સહિત શાળાની કિટ વિતરણ કરવામાં આવે છે. આજ રોજ પણ પસ્તી દાન ના આર્થિક સહયોગ વ્યારા નગરના બાળકોને નોટબુક વિતરણ માટે ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યકમમાં મુખ્ય મહેમાન તરીકે વ્યારા નગર આહીર સમાજના પ્રમુખશ્રી સોમાતભાઈ રાવલીયા, બાળ કલ્યાણ સમિતી- તાપી જિલ્લા અધ્યક્ષ શ્રી એડવોકેટ. કુણાલભાઈ પ્રધાન તેમજ અતિથિ વિશેષ તરીકે જૈન સમાજ યુવા અગ્રણી શ્રી રિખવભાઈ શાહ, ગાયનેકોલોજીસ્ટ ડૉ.ભારતીબેન પટેલ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તાપી જિલ્લા સેવા પ્રમુખ શ્રી જયંતીભાઈ કોંકણી, માધવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખશ્રી જયેશભાઇ ચૌધરી સહિત તાપી જિલ્લા અને નગરના આગેવાનોની ઉપસ્થિતિમાં ૨૦૦ થી વધુ બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવી. ધોરણ ૧ અને ૨ માં અભ્યાસ કરતા બાળકોને દેશિહિસાબ તો, ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોટબુક તથા પેન આપવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોએ વિધાર્થીઓને વિદ્યા મેળવી સમાજ જીવનમાં આગળ વધવા શુભકામના પાઠવી હતી. સેવિકા સમિતિની બહેનો તથા શ્રી માધવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી સહિત યુવાનોએ કાર્યકમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.