તાપી જિલ્લામાં આગામી ૨૧મી જૂન આંતરારાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે પત્રકાર પરિસદ યોજાઇ
તાપી જિલ્લામાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે ૨૦ હજારથી વધુ લોકો સહભાગી થશે
–
યોગ લોકોના જીવનનો ભાગ બને અને લોકો તંદુરસ્ત બને એવો સરકારશ્રીનો અભિગમ છે :-ઈ.ચા.કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૧૫ આગામી ૨૧ મી જૂન આંતરારાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર તાપી જિલ્લો યોગમય બને તે માટે જીલ્લા વહીવટી તંત્ર,રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને યોગબોર્ડ સહિત વિવિધ સંસ્થાઓના ઉપક્રમે દશમાં આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
ઈ.ચા. કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન. શાહના અધ્યક્ષ સ્થાને આજરોજ જિલ્લા સેવાસદનના સભાખંડમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુનોમાં પ્રસ્તાવ રજુ કર્યો અને ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રિય યોગદિવસ તરીકે જાહેર કર્યો છે. યોગ લોકોના જીવનનો ભાગ બને અને લોકો તંદુરસ્ત બને એવો સરકારશ્રીનો અભિગમ દર્શાવતા તાપી જિલ્લા ઈ.ચા.કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહે જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં મુખ્ય કાર્યક્રમ કલેકટરશ્રી તાપીના અધ્યક્ષ સ્થાને દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે યોગ દિવસ યોજાશે. જેમાં અંદાજીત ૨૫૦૦ થી વધુ લોકો સહભાગી થશે. તેમજ વ્યારા નગરપાલિકા આયોજીત શ્રીરામ તળાવ ગાર્ડન અને સોનગઢ ખાતે મહારાજા અગ્રસેન ભવન ખાતે અંદાજીત ૧૦૦૦ થી વધુ લોકો યોગમય બનશે. તદઉપરાંત તમામ તાલુકા મથકે યોગનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.
વધુમાં તાપી જિલ્લાના બે પ્રવાસન સ્થળો આંબાપાણી અને પદમડુંગરી,ઈકો ટુરિઝમ ખાતે સહેલાણીઓ યોગમાં જોડાઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. યોગદિવસની ઉજવણીમાં ભાગ લઈ લોકો નિયમિત રીતે યોગ કરીને તંદુરસ્ત જીવન જીવી શકે તે માટે એક જાગૃતિ અભિયાન શરૂ થાય અને વધુમાં વધુ લોકો યોગમય બને તેવી અપેક્ષા છે.
સ્વયં અને સમાજ માટે યોગના સંકલ્પ સાથે ૨૧મી જૂન ૨૦૨૪ના રોજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સવારે ૫-૪૫ થી ૭-૫૫ સુધી યોજાશે. ગ્રામ પંચાયતો,તાલુકા પંચાયતો,નગરપાલિકાઓ, શાળાઓ,કોલેજો,આઈ.ટી.આઈ. વિગેરે દરેક સ્થળોએ યોગના કાર્યક્રમો યોજાશે. વધુમાં ૧૪ જૂનથી ૨૦ જૂન સુધી પ્રિ-ઈવેન્ટ તાલીમ સાથે યોગ સપ્તાહ યોજાશે.
આંતરારાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણીના આયોજન અંગેની પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર. બોરડ, ઈ.ચા. સહાયક માહિતી નિયામક સી.એફ. વસાવા, જીલ્લા પ્રશિક્ષણ કેન્દ્રના યુવા વિકાસ અધિકારી ચેતન પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામીત, ગુજરાત યોગ બોર્ડના યોગ કોચ સહિત પ્રિન્ટ એન્ડ ઈલે.મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
0000