સોનગઢની ૯ શાળાઓના ૮૬૨ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ્સ, યુનિફોર્મ અને વિન્ટર જેકેટ વિતરણ
આણંદના એન.આર.આઈ. દાતાશ્રી બાલકૃષ્ણભાઈ છેલ્લા પાંચ વર્ષથી સોનગઢની પ્રાથમિક શાળાઓના બાળકોને શૈક્ષણિક કીટ સહિત શાળાની જરૂરિયાતો પુરી પાડે છે. ચાલુ વર્ષે સોનગઢની ૯ શાળા અને આણંદની ૪ શાળાઓમાં કુલ રૂા. ૨૫ લાખના દાનની સરવાણી વહાવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૧૫- તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારની શાળાઓના બાળકોના ભાવીને ઉજ્વળ બનાવવાના શુભ આશયથી આણંદના એન.આર.આઈ. અમેરિકાના શિકાગો સ્થિત દાતાશ્રી બાલકૃષ્ણભાઈ અંબાલાલ પટેલ છેલ્લા પાંચ વર્ષથી સોનગઢની પ્રાથમિક શાળાઓના બાળકોને શૈક્ષણિક કીટ સહિત શાળાની જરૂરિયાતો પુરી પાડે છે. ચાલુ વર્ષે પ્રા.શા.બેડવાણ પ્ર.ઉમરદા ખાતે દાતા પરિવાર, વ્યારા અને સોનગઢ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ, આચાર્યો,શિક્ષકો અને ગામના અગ્રણીઓની ઉપસ્થિતમાં સોનગઢની ૯ શાળાઓના ૮૬૨ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ્સ, યુનિફોર્મ અને વિન્ટર જેકેટ વિતરણ કરાયું હતું. બાળકો નિયમિત શાળાએ આવે અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે દાતાશ્રી બાલકૃષ્ણભાઈ ભગિરથ પ્રયાસ થકી સેવાની સુવાસ પ્રસરાવી રહ્યા છે.
દક્ષિણ સોનગઢની બેડવાણ પ્ર ઉમરદા, ચીમકુવા, ખોખસા, ચકવાણ, અમલગુંડીમુખ્ય, આમલગુંડી (દા.ફ.) આમલગુંડી (ખા.પ.) આંબા અને ઝરાલી મળીને કુલ ૯ પ્રા.શાળાના કુલ ૮૬૨ જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ્સ –દફતર, નોટબુક, વોરબેગ, ટિફિનબોક્ષ, પેન્સિલ કંપાસ,૨ જોડ યુનિફોર્મ, વિન્ટર જેકેટ રૂા.૧૭ લાખ ૨૪ હજારનું અર્પણ કર્યું હતું. જ્યારે પોતાના વતન આણંદ ખાતેની ૪ શાળાના ૪૧૧ બાળકોને રૂા.૭ લાખ ૭૬ હજારની શેક્ષણિક કિટ્સ મળીને રૂા.૨૫ લાખનું દાન કર્યું હતું.
આ પ્રસંગે સોનગઢ ટી.પી.ઓ. રવિન્દ્રભાઈ ગામીત,વ્યારા ટી.પી.ઓ. એસ.બી.પરમાર, ઘટક સંઘ પ્રમુખ ભાવિનભાઈ, મંત્રી વિજયભાઈ, શાળાના આચાર્યો, શિક્ષકો, ગ્રામજનો, વિદ્યાર્થીઓ, ગણેશભાઈ પરિવાર (નવસારી) મેનેજર દેવ, ઉપસ્થિત રહ્યા હતા.
બેડવાણ પ્રાથમિક શાળામાં શિક્ષણ લઇ હાલ દાહોદ ખાતે પ્રોફેસર તરીકે ફરજ બજાવતા રાહુલભાઈ તથા ૮૦ વર્ષિય દાતાના મિત્ર લક્ષ્યાકાકાનું વિશેષ સન્માન કરાયું હતું. તમામ શાળાના આચાર્યો સહિત શિક્ષકોએ દાતા પરિવાર બે દિકરાઓ અમેરિકા (પાર્થ ઈન કોર્પોરેશન, શિકાગો) અમિત,પાર્થ,પૂત્રવધુઓ,પૌત્ર-પૈત્રીઓનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન,સ્વાગત પ્રવચન અને દાતા સાથે સંકલનકર્તા રાજ્ય એવોર્ડી શિક્ષક ચીમકુવા આચાર્ય પ્રદિપભાઈ આર. ચૌધરીએ કર્યું હતું. આભારવિધિ આચાર્યશ્રી વિજયભાઈએ કરી હતી. શાળા પરિવાર અને સમગ્ર ગ્રામજનોએ દાતા બાલકૃષ્ણભાઈ અને પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
૦૦૦૦૦૦૦૦૦