ડાંગ જિલ્લાનાં આહવા અને વઘઇ પેટ્રોલપંપ ખાતે મામલતદાર અને પ્રાંત અધિકારી દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાનાં આહવા ખાતે આવેલ પેટ્રોલ પંપ ઉપર ફાયર સેફટીને લઈને અનેક ફરિયાદ ઉઠવા પામી હતી. અહી પેટ્રોલ પંપ સંચાલક દ્વારા પેટ્રોલ પંપ ઉપર કોઈ પણ ફાયર સેફ્ટીનાં સાધનો રાખવામાં આવેલ નહોતા. ત્યારે સમગ્ર ગુજરાતમાં ફાયર સેફટીને લઈને પરિપત્ર બહાર પાડવામાં આવી રહ્યા છે. અને કેટલીક જગ્યાઓ પર લગાવવામાં આવેલ છે. જોકે અહીં આહવા પેટ્રોલ પંપ ઉપર ફાયર સેફ્ટી ને લઈને કોઈ પણ તકેદારી રાખવામાં ન આવતા જે તે સમયે આ અંગેની વ્યાપક ફરીયાદ ઉઠવા પામી હતી. જે બાદ સફાળુ જાગેલુ વહીવટી તંત્રની ટીમે આહવા તથા વઘઈ ખાતે પેટ્રોલ પંપ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. આહવા ખાતે સંકેત રમેશચંદ્ર શાહ નામની પેટ્રોલ પંપ ચલાવતી એજન્સી દ્રારા ફાયર સેફ્ટીની કોઇ પણ પ્રકારની સુવિધાઓ રાખવામાં આવેલ નહોતી. પેટ્રોલ પંપ ઉપર ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. જોકે દરેક પેટ્રોલ પંપ ઉપર ફાયર સેફટી ડિવાઇસ હોવા જરૂરી છે. અને સાથે જ રેતી ભરેલી ડોલ હોવી પણ જરૂરી છે. જેથી આગ લાગવાની પરિસ્થિતિમાં સાધનોના ઉપયોગથી આગ પર કાબુ મેળવીને અઘટિત ઘટનાને કે દુર્ઘટના ને ટાળી શકાય. પરંતુ અહીં ફાયર સેફ્ટી અંગેની કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં આવેલ નહોતી. પેટ્રોલ પંપ પર ફાયર સેફ્ટી, ઑનલાઇન પેમેન્ટ, વાહનમાં હવા ભરવાની વગેરે સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. પેટ્રોલ પંપ પર પેટ્રોલ – ડીઝલ ભરાવવા આવતા વાહનચાલકોમાં છેલ્લા કેટલાક દિવસથી ફરિયાદ ઉઠવા પામી હતી કે, પેટ્રોલ પંપ પર કટ મારવામાં આવી રહી છે. નિયત માત્રા કરતાં ઓછું પેટ્રોલ ભરવામાં આવે છે. ડિસ્પ્લે પર જેટલું પેટ્રોલ બતાવવામાં આવે છે તેના કરતાં ઓછું પેટ્રોલ ટેન્ક માં ભરવામાં આવે છે. અને જો કોઈ ગ્રાહક ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા ઈચ્છે તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ સંચાલક દ્વારા કરવા દેવામાં આવતો નથી.તથા મોટા કારબાઓમાં પેટ્રોલ અને ડીઝલ છૂટક ભરી આપી દુર્ઘટનાને નોતરુ આપવામાં આવી રહ્યુ હતુ . ત્યારે આ સમગ્ર મામલાને લઈને જે તે સમયે વ્યાપક ફરિયાદ ઉઠવા પામી હતી. ત્યારે આજરોજ સફાળા જાગેલા તંત્રનાં પુરવઠા મામલતદાર અને પ્રાંત અધિકારી દ્વારા આ અંગે આહવા અને વઘઈ ખાતે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. ડાંગ જિલ્લાના આહવા અને વઘઇ પેટ્રોલ પંપ ઉપર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવતા, પેટ્રોલ પંપ સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *