કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિસ્તરણ કાર્યકરો અને માસ્ટર ટ્રેનર્સ માટે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરૂસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેંદ્ર, વ્યારા ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વિસ્તરણ કાર્યકરો અને પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર્સનો બે દિવસીય તાલિમ કાર્યક્રમ તા.૧૧-૧૨/૦૬/૨૦૨૪ના રોજ યોજાયો હતો. જેમાં કુલ ૮૦ તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં કે.વિ.કે.ના વડા ડૉ. સી. ડી. પંડ્યાએ બધાને આવકારી હાલના સમયમાં પ્રાકૃતિક ખેતીની જરૂયાત શા માટે છે તેની વિગતવાર સમજ આપી હતી.
પ્રો. કે. એન. રણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન), કેવિકે, વ્યારાએ પ્રાકૃતિક ખેતીના આયામો અને તેના વૈજ્ઞાનિક અભિગમ વિષે પોષણ વ્યવસ્થાપન, નિંદણ નિયંત્રણ અને રોગ-જીવાત નિયંત્રણ વિષે સમજ આપી હતી. શ્રી નાનસિંગ ચૌધરી, રીટા. ડીએફઓએ દેશી ગાય અને સૂક્ષ્મ જીવાણુઓ વિષે સમજ આપી હતી. તેમજ દેશી ગાયના છાણ-મૂત્ર માંથી જીવામૃત, ઘન-જીવામૃત ખાતર બનાવી પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રૂપતા વધારવા ઉપયોગી બને છે. પાકની વૃધ્ધિ ઘણી સારી થાય છે તેમજ સારૂ પોષ્ટિક, સ્વાદિષ્ટ અનાજ, કઠોળ, શાકભાજી અને ફળોનું ઉત્પાદન મળે છે.
ડૉ. ધર્મિષ્ઠા એમ. પટેલ, વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા બાગાયતી પાકોમાં વૈજ્ઞાનિક ઢબે પ્રાકૃતિક ખેતી થકી સારું ઉત્પાદન મેળવવા માટેનાં વિવિધ મુદ્દાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ડૉ. એચ. આર. જાદવ, વૈજ્ઞાનિક (પાક સરંક્ષણ) કેવિકે-વ્યારા દ્વારા પ્રાકૃતિક ખેતી વિષે જુદાજુદા પાકોમાં આવતા રોગો અને જીવાતોનાં નિયંત્રણ બાબતે લેવામાં આવતાં વિવિધ પગલાંઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. શ્રી નટુભાઇ ગામીત, પ્રગતિશીલ ખેડૂત-નિશાણા (સોનગઢ)એ તેમનાં ખેતરે બનાવેલ પ્રાકૃતિક ખેતીનાં મોડેલ વિશે જણાવી તેમનાં પ્રતિભાવો રજૂ કર્યા હતા.
શ્રી જયેશભાઇ પટેલ, પ્રાકૃતિક ખેતીના માસ્તર ટ્રેનર્સ, મુ.દેગામાએ પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનીક ખેતીનો તફાવત વિસ્તૃત રીતે સમજાવી હાલના સમયમાં પ્રાકૃતિક ખેતીનું શા માટે મહત્વ છે તેની વિગતવાર સમજણ આપી હતી અને જણાવ્યું હતું કે જો ખેડૂતો પ્રાકૃતિક ખેતીના બધાં જ આયામો અપનાવે તો ઉત્પાદન સારૂં મળે છે તેમજ જમીનની ગુણવત્તામાં સુધારો થાય છે અને પ્રાકૃતિક ખેતીના રજીસ્ટ્રેશન માટેની કાર્યવાહી ચાલુ થઇ ગઇ છે. તેમ જણાવ્યું હતું.
તાલીમાર્થીઓને પ્રાકૃતિક ખેતીમાં રોગ-જીવાતના નિયંત્રણ માટે ઉપયોગમાં લેવામાં આવતાં દશપર્ણી અર્ક, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર વિગેરેની પધ્ધતિ નિદર્શન દ્વારા સમજ આપવામાં આવી હતી.
અંતમાં તાલીમાર્થીઓને મુંઝવતાં પ્રશ્નોનું સંતોષકારક નિવારણ કરવામાં આવ્યું હતું. આભારવિધિ ડૉ. ધર્મિષ્ઠા એમ. પટેલ, વૈજ્ઞાનિક (બાગાયત)એ કરી હતી.