ઓલપાડ તાલુકાની સરસ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કહેવાય છે કે જે દાન કરી શકે એજ ધનનાં માલિક છે, બાકી બધાં ધનનાં ચોકીદાર હોય છે. સનાતન ધર્મમાં દાનનું વિશેષ મહત્વ બતાવ્યું છે. દાન આપનારનું સ્થાન સમાજમાં ખૂબ ઊંચું હોય છે. આ વાતનો મર્મ સમજનારા ભાવિનભાઈ પટેલ દ્વારા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત સરસ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતાં તમામ 140 બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યોની ઉપસ્થિતિમાં આ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તબક્કે બાળકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. અંતમાં શાળાનાં આચાર્યા શ્રીમતી શર્મિલાબેન પટેલે શાળા પરિવાર વતી દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.