રાજ્યમાં રેકોર્ડ બ્રેક ગરમીને પગલે પ્રાથમિક, માધ્યમિક અને ઉ.મા. શાળાઓનું ઉનાળુ વેકેશન લંબાવવાની માંગ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉ.મા. શાળાઓનું 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવેલ છે. તા.13 મી જૂને શાળાઓ પુનઃ ખૂલી જશે પરંતુ આ વર્ષે રાજ્યમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. ઘણાં દિવસોથી તાપમાન 40 થી 45 અંશ સેલ્સિયસ જેટલું રહે છે. અસહ્ય ગરમીને કારણે ‘લૂ’ લાગવાથી રાજ્યમાં લોકો મૃત્યુ પામ્યાનાં સમાચાર છે. ‘લૂ’ થી બચવા બપોરનાં 12 થી 4 વાગ્યાનાં અરસામાં ઘરમાં રહેવાનું જણાવવામાં આવે છે. જાહેર ક્ષેત્રમાં કામ કરતાં શ્રમિકોને પણ બપોરનાં સમયે 2 થી 3 કલાકની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.
જૂનમાં પણ ગરમીનો પારો ઊંચો રહેશે અને સાથે હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે આ કાળઝાળ ગરમીથી રક્ષણ મેળવવા અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકોનું આરોગ્ય જોખમાય નહિ તે માટે ઉનાળુ વેકેશન અઠવાડિયું લંબાવીને ધોધમાર વરસાદ વરસી ગયા બાદ હવામાન ઠંડું થાય ત્યારપછી જ શાળાઓ ખોલવાનું શિક્ષણ વિભાગે ધ્યાને લેવું જોઈએ એવી ચર્ચા પ્રવર્તી રહી છે. દિવાળી વેકેશન શાળાકીય કેલેન્ડર મુજબ 21 દિવસનું યથાવત રાખવું, તેમાં કાપ મૂકવો નહિ, કારણ કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં પૂરથી રાજ્યનાં ઘણાબધાં જિલ્લાઓમાં પારાવાર નુકસાન થયું હતું. અમુક જિલ્લાઓમાં 5 થી 7 દિવસ કે તેથી પણ વધુ સમય સુધી શૈક્ષણિક કાર્ય થઈ શક્યું નહોતું. તે કુદરતી આપત્તિ હતી તેવી જ રીતે ગરમી અને હીટવેવની ઘટના એ પણ કુદરતી આપત્તિ જ છે. જેને પગલે વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા શાળાઓનાં હિતને ધ્યાનમાં લઈ ઉનાળુ વેકેશન એક અઠવાડિયું લંબાવવા અને દિવાળી વેકેશન 21દિવસનું યથાવત રાખવા માટે દક્ષિણ ગુજરાત ઉત્તર બુનિયાદી વિદ્યાલય સંઘનાં પૂર્વ સંયોજક પ્રભુભાઈ એન. પટેલ દ્વારા જણાવાયું છે.