ઓલપાડ તાલુકા પંચાયત ખાતે ફરજ બજાવતાં તલાટી કમ મંત્રી અને નિવૃત્ત આર્મીમેન બાબુભાઈ કોદરભાઈ પરમારનો વાજતે ગાજતે વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકા પંચાયત ખાતે છેલ્લાં 4 વર્ષથી તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતાં બાબુભાઈ કોદરભાઈ પરમાર તા. 31/5/2024 નાં રોજ વયમર્યાદાથી ફરજ નિવૃત્ત થતાં તેમનો વૈવિધ્યસભર વિદાય સન્માન સમારંભ અત્રેની તાલુકા પંચાયત કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો. તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવીની અધ્યક્ષતામાં યોજાયેલ આ સમારંભમાં તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, તલાટીગણ, તાલુકા પંચાયત કર્મચારીગણ ઉપરાંત બાબુભાઈનાં પરિવારજનો, મિત્રમંડળ સહિત શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે મૂળ સાબરકાંઠા જિલ્લાનાં વડાલી ગામનાં વતની એવાં ખેડૂતપુત્ર બાબુભાઈ કોદરભાઈ પરમાર એક આર્મીમેન પણ છે. 21 વર્ષની નાની ઉંમરથી સતત 17 વર્ષ સુધી સરહદી વિસ્તારનાં રાજ્યોમાં તેઓએ દેશની આર્મીમાં વફાદારીપૂર્વક પોતાની ફરજ બજાવી હતી. ત્યારબાદ 17 વર્ષ વિવિધ તાલુકાઓમાં નિષ્ઠાપૂર્વક તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલ છે. જેમનો નિવૃત્તિ વિદાય સમારંભ તિરંગાનાં સાંનિધ્યમાં વાજતે ગાજતે એક વીર જવાનને છાજે એમ અનોખી રીતે યોજવામાં આવ્યો હતો.
પ્રારંભે વિસ્તરણ અધિકારી સંજય પટેલે સૌને શાબ્દિક આવકાર આપી બાબુભાઈનાં સેવાકાળનો સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો. બાદમાં ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે બાબુભાઈને શાલ ઓઢાડી સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવી તથા તાલુકા પંચાયત ઓલપાડનાં ઉપપ્રમુખ કિરણભાઈ પટેલે પોતાનાં ઉદબોધનમાં તલાટી કમ આર્મીમેન બાબુભાઈની દેશસેવા તેમજ લોકસેવાને બિરદાવી નિરામય શેષ જીવન માટે શુભેચ્છા પાઠવી હતી. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે આ તકે બાબુભાઈને શ્રી રામલલ્લાની પ્રતિમા અર્પણ કરી તેમની રાષ્ટ્ર પ્રત્યેની સેવાકીય પ્રતિબદ્ધતાની સરાહના કરી હતી. આ સાથે સુરત જિલ્લા તલાટી મંડળનાં ઉપપ્રમુખ મયૂર લાખાણી તથા ઓલપાડ તાલુકા તલાટી મંડળનાં પ્રમુખ ચંદ્રિકા પટેલે પોતાનાં પ્રાસંગિક પ્રવચનમાં બાબુભાઈને દીર્ઘાયુ જીવનનાં શુભાશિષ પાઠવ્યા હતાં.
અંતમાં ફરજ નિવૃત્ત થઈ રહેલ બાબુભાઈ પોતાનાં પ્રતિભાવ આપતાં ભાવવિભોર બન્યાં હતાં. તેમણે પોતાનાં આર્મી તરીકેનાં ભૂતકાળનાં દિવસોને વાગોળી જીવનપર્યંત માં ભારતીની સેવા કરવાની તત્પરતા દાખવી હતી. વધુમાં તેમણે વીર જવાનની વિદાયગીરીની પ્રતિતિ કરાવતાં આ વિશિષ્ટ સમારંભનાં નામી-અનામી આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.