જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચનાં લેક્ચરર અને વિજ્ઞાન સલાહકાર પ્રભુભાઈ પટેલનો વિદાય સન્માન સમારંભ યોજાયો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરનાં માર્ગદર્શન હેઠળ કાર્યરત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભરૂચનાં લેક્ચરર અને વિજ્ઞાન સલાહકાર તથા લાઇઝન અધિકારી તરીકેની ફરજ બજાવતાં પ્રભુભાઈ બી. પટેલ નિવૃત્તિ પામતાં તેઓનો વિદાય સમારંભ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભરૂચ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતિ સ્વાતિબા રાઓલજીનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.
સદર કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટસિંહ મહિડા, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ પ્રદિપસિંહ રણા, નગર પ્રાથમિક શિક્ષક સંઘ, અંકલેશ્વરનાં પ્રમુખ ગજેન્દ્ર પટેલ, વિવિધ ડાયટનાં પ્રાચાર્યશ્રીઓ, લેક્ચરરશ્રીઓ, વિજ્ઞાન સલાહકારો, પ્રાથમિક તથા માધ્યમિક શાળાનાં શિક્ષકો તથા પરિવારજનો સહિત શુભેચ્છકોએ ઉપસ્થિત રહીને પ્રભુભાઈ પટેલની સેવાઓને બિરદાવી નિરામય જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ તકે પ્રતિભાવ સ્વરૂપે વક્તવ્યમાં પ્રભુભાઈ પટેલે તેઓની સેવાઓનાં સંસ્મરણો તાજા કરી, સહકાર આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાનાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ તથા બીઆરસી કો-ઓર્ડિનેટરો વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.
