શ્રી કરસનદાસ માણેક પ્રાથમિક શાળામાં આકાશ દર્શનનો કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત શ્રી કરસનદાસ માણેક પ્રાથમિક શાળા ક્રમાંક 315 માં ગતરોજ રાત્રિ દરમિયાન અગત્સ્ય ફાઉન્ડેશન અને એલ. એન્ડ ટી.નાં સહયોગથી આકાશ દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે એલ. એન્ડ ટી. હજીરાનાં જોઈન્ટ જનરલ મેનેજર મહેશ જોષી, લેખિકા મેઘના, સીએસઆર ડીપાર્ટમેન્ટનાં આસિસ્ટન્ટ મેનેજર માનસી દેસાઇ, પ્રકાશ જૈન, રાજેશ્વરીબેન મનોજભાઈ, શીતલબેન તથા તેમની ટીમ સહિત શાળાનાં શિક્ષકો, બાળકો અને એલ. એન્ડ ટી.નાં સ્વયંસેવકો હાજર રહ્યાં હતાં.
કાર્યક્રમનાં પ્રારંભે દીપ પ્રજ્વલન કરી રાજકોટ દુર્ઘટનાનાં મૃતકોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શાળાનાં આચાર્યા મિનાક્ષીબેન અટોદરિયાએ ઉપસ્થિત સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો. આ તકે સીએસઆર ટીમનાં સભ્ય શીતલબેને કાર્યક્રમ વિશે વિસ્તૃત સમજ આપી હતી. લેખિકા મેઘનાબેને પોતે રચેલ કલગી બુક શાળાનાં આચાર્યાને અર્પણ કરી હતી.
કાર્યક્રમનાં પ્રથમ ચરણમાં 38 જેટલાં સ્વયંસેવકોએ સાત ટીમ બનાવી ગ્રહ, નક્ષત્ર, તારા, બ્રહ્માંડ, રોકેટ સાયન્સ જેવાં વિષયો પર બાળકોને વીડિયો દ્વારા ખૂબ જ રસપ્રદ જાણકારી આપવામાં આવી. બાળકોએ પણ પ્રશ્નો પૂછી પોતાની કૂતુહલતા સંતોષી હતી. દ્વિતીય ચરણમાં પાંચ ટીમ બનાવી બાળકોને ક્વિઝ રમાડવામાં આવી, જેમાં સ્વયંસેવકોએ પણ ભાગ લીધો હતો. રાજેશ્વરીબેને સફળતાપૂર્વક કિવઝનું સંચાલન કર્યું હતું. વિજેતા ટીમ અને ભાગ લીધેલ સૌને મહેમાનોનાં હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતાં. રાત્રે ટેરેસ ઉપર પ્રકાશ જૈને ખગોળવિજ્ઞાન વિષયક ખૂબ જ રસપ્રદ વાતો બાળકો સમક્ષ રજૂ કરી હતી. અંતમાં સૌએ ભેગા મળી પાંઉભાજીની મિજબાની માણી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રશાંતભાઈ તથા તેમની ટીમનાં મનિષાબેન અને આયુષિબેને કર્યું હતું. આજનાં વિશેષ કાર્યક્રમ બદલ શાળાનાં આચાર્યા મિનાક્ષીબેન અટોદરિયાએ સીએસઆર ટીમનાં સભ્ય શીતલબેનનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં બાળકોને મોફીન્સ આપી વાલીઓ સાથે ઘરે મોકલવામાં આવ્યા હતાં.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *