કેવિકે વ્યારા દ્વારા પાપડીની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અને ઉનાળુ શાકભાજી પાકોમાં પાક સંરક્ષણ વિશે ડાયલ આઉટ કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન અપાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કોરોના વાયરસને કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વ્યારાએ રિલાયન્સ ફાઉન્ડેશનના સહકાર વડે ડાયલ-આઉટ કોન્ફરન્સ ઓનલાઇન ક્ષેત્રિય તાલીમ કાર્યક્રમ દ્વારા ખેડૂતોને ખેતી અંગે માર્ગદર્શન આપવાનો નવતર પ્રયોગ કર્યો હતો. તાલીમમાં રિલાયન્સ ફાઉન્ડેશનના રેનીશભાઇ ભરૂચવાલાએ કાર્યક્રમનું સૂત્રસંચાલન સંભાળ્યું હતું. કેવિકેના વડા ડૉ. સી. ડી. પંડ્યાએ ખેડૂતોને કોરોના વાયરસથી બચવા અંગે જાગૃત કરી આરોગ્ય સેતુ એપ્લીકેશનનું મહત્વ સમજાવ્યું હતું તથા ભારત સરકારે જાહેર કરેલ રાષ્ટ્રીય કૃષિ સલાહ વિશે તેમજ ખેડૂતો અને વેપારીઓ વચ્ચે જોડાણ કરવા અંગે કૃષિ ચીજવસ્તુઓના સરળ પરિવહન માટે શરૂ કરવામાં આવેલ ‘કિસાન રથ’ (KISAN RATH) એપ વિષે પણ વિસ્તૃત સમજણ આપી હતી.
ડૉ. ધર્મિષ્ઠા પટેલ, વૈજ્ઞાનિક (બાગાયત)એ પાપડીની વૈજ્ઞાનિક ખેતી વિશે વિગતવાર માહિતી આપતાં પાકની જુદી જુદી અવસ્થાએ લેવાની કાળજી તેમજ હાલનાં તબક્કામાં ખાતર અને પિયત વ્યવસ્થાપન માટે જણાવ્યું હતું.
પાક સંરક્ષણના વૈજ્ઞાનિક ડૉ. સચીન એમ. ચવ્હાણ દ્વારા ઉનાળુ ઋતુ દરમિયાન શાકભાજી પાકોમાં સંકલિત તેમજ પર્યાવરણપ્રિય રોગ-જીવાત નિયંત્રણ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. રાસાયણિક દ્વવા સાથે પર્યાવરણપ્રિય ઘટકો જેવા કે, બિયારણને પટ આપવાની પધ્ધતિ, પ્રકાશ પિંજર, યલો સ્ટીકી ટ્રેપ, ફેરોમોન ટ્રેપ, ફળમાખી ટ્રેપ, પ્રકાશ પિંજર (લાઇટ ટ્રેપ) પક્ષીઓને બેસવા માટે ટેકા ઉભા કરવા વિષે તેમજ તેનું મહત્વ સમજાવ્યું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીનના વિવિધ ઉત્પાદનો જેવી કે નોવેલ પ્રવાહી ખાતર, ફળમાખી ટ્રેપની કેવિકે દ્વારા કરવામાં આવતી વેચાણ વ્યવસ્થા વિશે પણ છણાવટ કરી હતી. સદર કાર્યક્રમમાં ખેડૂતોના મૂંઝવતા પ્રશ્નોનું પણ ઓનલાઇન નિરાકરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં કુલ ૬૪ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.