ચોર્યાસી તાલુકાનાં કવાસ ખાતે બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : આંગણવાડીમાં નાના ભૂલકાઓ હસતાં હસતાં પ્રવેશ કરે, માતા સાથે રમતાં રમતાં આવે અને એ સાથે તેમનો સર્વાંગી વિકાસ થાય એવાં શુભ હેતુસર ઘટક કક્ષાનો બાલક પાલક સર્જન કાર્યક્રમ ગ્રામ પંચાયત હોલ, કવાસ ખાતે બાળ વિકાસ યોજનામાં મહિલા અને બાળ વિકાસ યોજના અધિકારી દીક્ષિતાબેન ડોડિયા, જિલ્લા ઇન્સ્ટ્રક્ટર ખ્યાતિબેન ભટ્ટ અને બ્લૉક પી.એસ.ઈ. કૌશિકબેનની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.
બાળકોનું નામાંકન વધારવા તેમજ બાળકો નિયમિત હાજરી આપે તેવાં ઉમદા આશય સાથે આંગણવાડીમાં આવતાં 3 થી 6 વર્ષનાં બાળકો અને તેમનાં વાલીઓ માટે સદર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીમાં કરાવવામાં આવતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃતિઓથી માતાપિતા, વાલીજનો તથા જનસમુદાયને માહિતગાર કરવામાં આવ્યા હતાં.
ચોર્યાસી ઘટક 1 ની તમામ 76 આંગણવાડી ખાતે બાલક પાલક સર્જનની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ઘટક કક્ષાનો આ કાર્યક્રમ ગ્રામ પંચાયત હોલ, કવાસ ખાતે યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં બાળકો અને વાલીઓ હાજર રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું આયોજન બ્લોક ઇન્સ્ટ્રકટર કૌશિકાબેન પટેલ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.