રોટરી ક્લબ ઓફ સુરત આયોજીત સાયકોલોથનમાં ડૉ. ધર્મેશ પટેલે ભાગ લીધો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વિજ્ઞાન અને ટેકનોલોજીનાં સમયમાં આધુનિકરણનાં કારણે સુખ અને સુવિધાનાં ભોગે આપણે પર્યાવરણને ઘણી બધી રીતે પ્રદૂષિત કરી રહ્યાં છીએ ત્યારે સમગ્ર વિશ્વમાં પ્રદૂષણને લઈને જાગૃતતા વધારવા માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને રોટરેકટ ક્લબ ઓફ સુરત ઈસ્ટનાં સંયુક્ત ઉપક્રમે 15 કિમી, 10 કિમી, 5 કિમી સાયકોલોથનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સદર સાયકોલોથનમાં ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં યુવા શિક્ષક ડૉ. ધર્મેશ પટેલે અપેક્ષા મુજબ ભાગ લઈ ફરી એકવાર યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા હતાં. તેમણે ઈવેન્ટ બાદ જણાવ્યું હતું કે હાલનાં સમયમાં લોકો કાર અને મોંઘી લક્ઝરી બાઇક પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બીજી તરફ જો તમે સાયકલ ચલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો છો, તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં ઘણી મદદ કરે છે. એટલું જ નહીં, સ્ટ્રોક, હાર્ટ એટેક જેવી ગંભીર હૃદયની બીમારીઓથી બચાવે છે. પર્યાવરણને પ્રદૂષણ મુક્ત રાખવા માટે સાયકલ ચલાવવી એ આજનાં સમયની માંગ છે.