તાપી જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન વેગવાન બન્યું
અનેકવિધ સ્વીપ પ્રવૃત્તિ દ્વારા લોકોને મતદાનનું મહત્વ સમજાવાયું
–
મતદાનના દિવસે પોતાના પરિવાર સાથે મતદાન કરવા સંકલ્પબદ્ધ થતા નાગરિકો
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૮ :- તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્રી ડો. વીપીન ગર્ગ અને તાપી જિલ્લાના સ્વીપ નોડલ અધિકારી સુશ્રી ધારા પટેલના નેતૃત્વમાં જિલ્લામાં વિવિધ સ્વીપ પ્રવૃત્તિ હાથ ધરીને લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
ઉચ્છલ તાલુકાના મોહિની ગામ ખાતે “મારો મત, મારો અધિકાર” થીમ હેઠળ યોજાયેલા મતદાન જાગૃતિ અભિયાનમાં પોસ્ટરોના માધ્યમથી ગ્રામજનોને મતદાન કરવા માટે જાગૃત કરાયા હતા. ડોલવણના બેડચીત ગામે પણ લોકોને અવશ્ય મતદાન કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતા. વ્યારા તાલુકાના ઊંચામાળા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોને એકત્રિત કરી મતદાન કરવા માટે જાગૃત કરાયા હતા. તેમજ વ્યારા લાઇબ્રેરી ખાતેના નવયુવાનોને પણ મતદાનનું મહત્વ સમજાવી પોતાના પરિવાર સાથે મતદાન કરવા સમજણ પુરી પાડવામાં આવી હતી.
સોનગઢ તાલુકાના દેવાળા ગામમાં ગામજનો અને યુવા મતદારોને કુટુંબીજનો સાથે મતદાન કરવા માટે પ્રેરિત કરાયા હતા. આમ, લોકસભા સામાન્ય ચુંટણી સંદર્ભે તાપી જિલ્લાના નાગરિકો વધુમાં વધુ મતદાન કરે તેવા આશય સાથે જિલ્લા ચુંટણી તંત્ર અનેકવિધ સ્વીપ એક્ટિવિટીના માધ્યમથી લોકજાગૃતિ લાવવાના સુદ્રઢ પ્રયાસો આદર્યા છે.
000