ઓલપાડ સેન્ટર ખાતે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રતિવર્ષ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા પાસ કરી મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને સરકાર દ્વારા નિયત થયેલ શિષ્યવૃત્તિનો લાભ મળવાપાત્ર થાય છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી આ પરીક્ષા સમગ્ર રાજ્યને સમાંતર ઓલપાડ ખાતેની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં આજરોજ નિયત સમયપત્રક મુજબ યોજવામાં આવી હતી. સદર સેન્ટર પર PSE નાં 20 બ્લોકમાં 2 યુનિટમાં નોંધાયેલ કુલ 587 વિદ્યાર્થીઓ પૈકી 506 વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. જ્યારે 81 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતાં. જ્યારે SSE માં 4 બ્લોકમાં 1 યુનિટમાં નોંધાયેલ કુલ 114 વિદ્યાર્થીઓ પૈકી 107 વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. જ્યારે 7 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતાં.
પરીક્ષાલક્ષી સમગ્ર મહત્વપૂર્ણ કામગીરીને સુપેરે પાર પાડવા મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયનાં આચાર્ય ભરત પટેલ તથા સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. પરીક્ષાનાં સુચારુ સંચાલન માટે 24 સુપરવાઇઝર, 3 ક્લાર્ક, 6 પટાવાળા, 3 સફાઈ કામદાર સહિત હોમગાર્ડ અને પોલીસ જવાનો ખડેપગે રહ્યાં હતાં. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનાં નિયુક્ત પ્રતિનિધિ મિતેશ પટેલ, રાકેશ પટેલ તથા તેજસ નવસારીવાલાની દેખરેખ હેઠળ પરીક્ષા કાર્યક્રમ ખૂબજ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. તમામ પરીક્ષાર્થીઓને બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ સહિત ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે શુભેચ્છા પાઠવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.