ઓલપાડની ભગવા પ્રાથમિક શાળામાં વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : શિક્ષણની પ્રક્રિયામાં શાળા, વિદ્યાર્થીઓ શિક્ષક અને વાલીઓનું અનેરું મહત્વ હોય છે. જેમાં સર્વેની જાગૃતતાથી શિક્ષણની પ્રક્રિયાને વેગ મળતો હોય છે. જે અંતર્ગત આજરોજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની ભગવા પ્રાથમિક શાળામાં આચાર્ય જયેશભાઈ વ્યાસનાં અધ્યક્ષસ્થાને વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શાળામાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓનાં વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રારંભે શાળાનાં આચાર્ય જયેશભાઈ વ્યાસે સૌ વાલીઓને આવકારી મિટીંગ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી, સાથે જ તેમણે વાલીઓને પણ સાંભળ્યા હતાં. શાળાનાં ઉપશિક્ષક અને ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ એવાં ગિરીશભાઈ પટેલે શાળામાં ચાલતી વિવિધ ઈતર પ્રવૃત્તિઓથી વાલીઓને માહિતગાર કર્યા હતાં. મિટીંગમાં બાલવાટિકા તેમજ ધોરણ 1 માં નવા પ્રવેશપાત્ર બાળકોનાં સર્વે સહિત આગામી નવા સત્રનાં શૈક્ષણિક આયોજન તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ બાબતે પરસ્પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.