કેએપીએસ ટાઉનશિપ, અણુમાળા ખાતે ભારતરત્ન ડૉ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩3મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય સમારોહનું આયોજન.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :, રવિવાર: કાકરાપાર અણુવિદ્યુત મથક, કમ્યુનિટી સેન્ટર અણુમાળા ખાતે ભારતરત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩3મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલ ભવ્ય સમારોહમાં શ્રી એન.કે. મીઠારવાલ, સાઇટ ડાયરેક્ટર, શ્રી એ.કે. ભોલે, સ્ટેશન ડાયરેક્ટર, કેએપીએસ-1&2, શ્રી યશ લાલા, કેએપીએસ-3&4, શ્રી એસ.કે. દેશમુખ, સહ નિયામક, ડો. આર.એમ. વાનખેડે, મેડિકલ સુપ્રિન્ટેંડંટ, શ્રીમતિ શૈલી ખન્ના, પ્રભારી પ્રમુખ, માનવ સંસાધન, શ્રી પરિમલ ચૌધરી, પ્રમુખ, કેએપીપી એસસી-એસટી એમ્પ્લોઈઝ એસોસિએશન, શ્રી જે.આર. પરમાર, મહામંત્રી, કેએપીપી એસસી-એસટી એમ્પ્લોઈઝ એસોસિએશન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમારોહના પ્રારંભમાં સહુ આમંત્રિતોએ ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા ચઢાવી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે કાકરાપાર અણુવિદ્યુત મથકના ઉચ્ચ અધિકારીઓ અને કેએપીપી એસસી-એસટી એમ્પ્લોઈઝ એસોસિએશનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં અણુમાળાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શ્રી એન.કે. મીઠારવાલે તેમના વિચારો પ્રગટ કરતાં જણાવ્યુ હતું કે ડૉ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર જેવા મહાન વ્યક્તિના જીવનની ઉપલબ્ધીઓ અને યોગદાન દરેક ભારતવાસી માટે એક કીમતી ખજાનો છે. તેઓ શિક્ષણને એક મહત્વનુ શસ્ત્ર માનતા હતા અને તેના થકી જ સામાજિક દૂષણો દૂર કરી શકાય. આપણો દેશ તેમની અધ્યક્ષતામાં ઘડાયેલા દુનિયાના શ્રેષ્ઠ બંધારણના નિર્માણ માટે સદાકાળ ઋણી રહેશે. ખાસ કરીને તેમના દ્વારા દેશના બંધારણમાં વંચિતો, ગરીબો અને પછાત વર્ગના નાગરિકોના હિતોના રક્ષણ માટે સમાવેશ કરાયેલ જોગવાઇઓને કારણે આજે આવા વર્ગના નાગરિકોના જીવનમાં ખૂબ જ બદલાવ જોવા મળે છે અને તેઓ સ્વમાનભેર સમાજ અને દેશના વિકાસમાં સહભાગી થઈ રહ્યા છે. આ પ્રસંગે અણુમાળા પ્રાથમિક શાળાના 16 તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત, બાલ સુરક્ષા ગૃહ, વ્યારા અને બેથલ હોમ, વ્યારા ખાતે રહેતા 55 નિરાધાર અને આદિવાસી બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.