તાપી જિલ્લામાં ચૂંટણીલક્ષી જાગૃતતા અભિયાન પૂરજોશમાં
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૩ :- લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે તાપી જિલ્લાના સ્વીપ નોડલ અધિકારી સુશ્રી ધારા પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાની ‘સ્વીપ ટીમ’ દ્વારા તાપી જિલ્લાના જુદા જુદા ગામોની મુલાકાત લઇને નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવી જાગૃત કરવામાં આવી રહ્યા છે. તેમજ ‘લો વોટર ટર્ન આઉટ એરિયા ‘ની મુલાકાત લઇ મતદાન વધારવાના પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
૧૭૧-વ્યારા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ કાનપુરા ગામ ખાતે સ્થાનિક બજારમાં મતદાન અંગે જાગૃતિ માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. ગ્રામજનોને મતદાનનું કેટલું મહત્વ છે તેની જાણકારી પુરી પાડીને પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત, ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ સોનગઢ તાલુકાના મલંગદેવ, ઉચ્છલ તાલુકાના હરિપુર ગામના હાટબજાર તેમજ નિઝરના સ્થાનિક બજારમાં આવેલ નાગરિકોને પોસ્ટર થકી મતદાનના મહત્વની સમજ આપવામાં આવી હતી.
000