ટીમ એક પ્રયાસ ટ્રસ્ટ રામનગર સુરત દ્વારા ઓલપાડ તાલુકાની કાંઠા વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓમાં અનાથ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. 2 એપ્રિલ 2024 નાં રોજ ઓલપાડ તાલુકાની કાંઠા વિસ્તારની લગભગ 14 જેટલી શાળાઓમાં અભ્યાસ કરતાં મા-બાપ વિહોણા એવાં અનાથ લગભગ 91 જેટલાં વિદ્યાર્થીઓને ટીમ એક પ્રયાસ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી. જે કીટમાં એક ઉત્તમ પ્રકારની સ્કૂલબેગ, 6 નોટબુક, વોટરબેગ તથા ફુલ કંપાસ બોક્સનો સમાવેશ કરી આ વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શાળામાં રૂબરૂ વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે શૈક્ષણિક કીટનો સ્વીકાર કરનાર નિર્દોષ બાળકોની આંખો વાંચી ટીમ એક પ્રયાસ ટ્રસ્ટ, રામનગર, સુરતનાં તમામ સભ્યોએ આનંદ સાથે ગૌરવની લાગણી અનુભવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે 8 સભ્યોથી શરૂ થયેલ સુરતનાં રામનગર વિસ્તારની આ સંસ્થા ટીમ એક પ્રયાસ ટ્રસ્ટ આજની તારીખે 250 થી વધુ સભ્યોનો પરિવાર ધરાવે છે. તમામ સભ્યો ખૂબ જ નિ:સ્વાર્થપણે દિલ દઈને સેવાકાર્ય કરી રહ્યાં છે. સંસ્થાનો મુખ્ય હેતુ સમાજમાં રહેલાં નિરાધાર, અનાથ અને આર્થિક રીતે ખૂબ જ નબળા બાળકોને વિનામૂલ્યે શૈક્ષણિક કીટ અને બૂટ મોજા, તહેવારોએ મીઠાઈ, અનાજ અને કપડાંનું વિતરણ, મૂંગા પ્રાણીઓને ઘાસચારો તથા રોટલી, હોસ્પિટલમાં દર્દીઓને ન્યુટ્રેશન કીટ, ફૂટપાટ પર રહેતાં ગરીબોને જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવાનો છે. સાથોસાથ આ સંસ્થા ડાંગ જેવાં અંતરિયાળ વિસ્તારમાં ચાલતી આશ્રમશાળાઓ તથા સમાજમાં અત્યંત ગરીબ કહી શકાય તેવાં પરિવારોનાં ઉત્થાન માટેનું કાર્ય પણ કરે છે.
આ તકે ધનશેર પ્રાથમિક શાળાનાં આચાર્ય રસિક રાઠોડનાં જણાવ્યા અનુસાર આ સંસ્થા દ્રારા એરબેડ હોસ્પિટલબેડ, ઓક્સિજન બોટલ, ટોયલેટ ચેર જેવાં વિવિધ મેડીકલ સાધનો પણ વિનામૂલ્યે ઉપયોગ કરવા માટે આપવામાં આવે છે. જેનો લાભ જરૂરિયાતમંદો લઈ શકે છે. તેમણે ઉમેર્યુ હતું કે કોઈપણ વ્યકિત આ ટીમ એક પ્રયાસ પરિવારમાં જોડાઈને સેવાયજ્ઞમાં સહભાગી થઈ શકે છે.