પરીક્ષા પૂર્વે ઓલપાડની ટકારમા પ્રાથમિક શાળામાં ધોરણ 8 નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વિદ્યાર્થીઓ પોતાનાં અભ્યાસકાળ દરમિયાન જીવનનાં પાઠ શીખવાની શરૂઆત પણ પ્રાથમિક શાળાથી કરે છે તેથી તેમનાં જીવનમાં પ્રાથમિક શાળાનું મહત્ત્વ વિશેષ હોય છે જે સર્વવિદિત છે ત્યારે ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની ટકારમા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 8 નાં વિદ્યાર્થીઓનો વિદાય સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો તથા વાલીજનો ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાનાં ઉપશિક્ષક રવિન્દ્ર પટેલે સૌને આવકારી શાળાની પ્રગતિનો ચિતાર રજૂ કર્યો હતો. પ્રારંભે પ્રાર્થના સ્વાગતગીત બાદ વિદાય લેતાં તમામ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ કેક કાપી પોતાની સ્મૃતિરૂપે શાળા પરિવારને વિદ્યાદેવી માં સરસ્વતીની છબી ભેટ આપી હતી.
આ તકે શાળાનાં આચાર્ય વિપુલ વિરડીયાએ ધોરણ 8 નાં વિદ્યાર્થીઓને નિષ્ઠા અને આત્મવિશ્વાસ સાથે ભણીગણીને સમાજમાં નોંધપાત્ર સ્થાન હાંસલ કરવા સંદર્ભે આશીર્વચન પાઠવ્યા હતાં. આ સાથે શાળાનાં શિક્ષકો અજય પટેલ, પંકજ પટેલ તથા કિમ્પલ પટેલે પણ વિધાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વચન પાઠવ્યાં હતાં. કાર્યક્રમનાં અંતે શાળાનાં તમામ વિધાર્થીઓને શિક્ષકગણ તરફથી છોલે ભટૂરે, કચુંબર અને છાશ જેવું સાત્વિક ભોજન આપવામાં આવ્યું હતું. અંતમાં શાળાનાં ઉપશિક્ષક રાહુલ પટેલે આભારવિધિ આટોપી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.