ડાંગ જિલ્લા પેરોલ ફર્લો સ્કોડ તથા વઘઇ પોલીસની ટીમે ચીલ ઝડપ ચોરીનાં ગુનામાં સંડોવાયેલા તમિલ ગેંગનાં ચાર આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરી
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : પ્રાપ્ત વિગતો અનુસાર તા.21-03-2024નાં રોજ વઘઇ તાલુકાનાં દગુનીયા ગામનાં મહિલા સરપંચનાં પતિ હર્ષદભાઈ કે.ગાવીત જે બેંક ઓફ બરોડા વઘઇ બ્રાન્ચનાં ખાતામાંથી એક લાખ રૂપિયાનો ઉપાડ કરી તેઓની ટાવેરા ગાડી.ન. જી.જે.30.એ. 0215માં બેગમાં મૂકી વઘઇ બજારમાં કામ અર્થે ગયા હતા. તે વેળાએ તેઓની એક લાખ રૂપિયા મુકેલ બેગ કોઈક ઈસમો ચીલ ઝડપ કરી જતા તેઓએ વઘઇ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો. આ ગુનો શોધી કાઢવા માટે ડાંગ જિલ્લા એસ.પી. યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી પાટીલનાં માર્ગદર્શન હેઠળ ડાંગ એલ.સી.બી, એસ.ઓ. જી, પેરોલ ફર્લો તથા વઘઇ પોલીસ સ્ટેશનની ટિમો દ્વારા ડાંગ જિલ્લાના ઠેરઠેર સ્થળોએ લગાવેલ કેમેરા, મોબાઈલ એસ.ડી.આર, સી.ડી.આર, લોકેશનો, હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લઇ શોધખોળ આરંભી હતી. તે દરમ્યાન ડાંગ પેરોલ ફર્લોના પી.એસ.આઈ. એમ.જી. શેખ દ્વારા ટેક્નિકલ સોર્સ હ્યુમન ઇન્ટેલિજન્સનાં મદદથી આરોપીઓની સતત માહિતી મેળવવામા સફળતા મળી હતી. આજરોજ બાતમીનાં આધારે પેરોલ ફર્લો ડાંગનાં પી.એસ.આઈ. એમ.જી. શેખ તથા વઘઇ પી.એસ.આઈ. પી.બી.ચૌધરીની ટીમે ચીલ ઝડપ તમિલ ગેંગનાં ચાર આરોપીઓમાં (1)ગણેશન મારીમુથ્થુ શેટિયાર.ઉ.58 હાલ રે.રૂમ. ન.4 ગોપાલભાઈ કી ચાલ જીવનજી પાડા, મિશન રોડ ભિલાડ જિલ્લો વલસાડ મૂળ.રે 1/198 યુ.વોસિંગટન નગર તિરૂપુર, કનક્કમ પાલયમ જિલ્લો કોયમ્બતુર તમિલનાડુ,(2)જગન ગણેશન મારીમુથ્થુ શેટીયાર ઉ.35 રે.એજન (3)રામુ ગણેશન મારીમુથ્થુ શેટીયાર ઉ.28 રે.એજન (4) કન્નાન રાજારામ શેટીયાર રે એજન મૂળ તમિલનાડુનાઓની ધરપકડ કરી તેઓ પાસેથી રોકડા 67,500 તથા 76,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ તમિલ ગેંગનાં આરોપીઓ સામે અગાઉ વલસાડ, નવસારી, આંધ્રપ્રદેશ તથા તમિલનાડુમાં પણ ગુનાઓ રજીસ્ટર થયેલા છે. હાલમાં ડાંગ જિલ્લા પેરોલ ફર્લો સ્કોડ અને વઘઇ પોલીસની ટીમે આ ચીલ ઝડપ સાથે સંકળાયેલી તમિલ ગેંગની ટોળકીનાં ચાર ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.