રોટરી ક્લબ સુરત તરફથી ઓલપાડની સરસ પ્રાથમિક શાળાને દાન સ્વરૂપે બેન્ચિસ તથા રમતનાં સાધનો મળ્યા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : નિવૃત્તિનાં અંતિમ દિવસ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને શાળાની તન, મન અને ધનથી શક્ય તેટલી ઉમદા સેવા કરવાની શુભ ભાવના ધરાવનાર ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સરસ પ્રાથમિક શાળાનાં આચાર્ય રમણલાલ સાકરલાલ ચૌહાણ શાળા તથા બાળકોનાં હિતાર્થે અનેકવિધ સરકારી યોજનાઓનો ભરપૂર લાભ મેળવતાં રહ્યાં છે. ભૂતકાળમાં દાતાઓનાં સહયોગથી તેમણે શાળાની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરી શાળાને ભૌતિક સુવિધાયુક્ત બનાવી છે. તેમનાં આવા નિરંતર પ્રયત્નોનાં પરિપાકરૂપે ગતરોજ રોટરી ક્લબ, સુરત તરફથી શાળાને અંદાજીત રૂપિયા 1,20,000 ની કિંમતની 30 જેટલી બેન્ચિસ તથા રમતગમતનાં સાધનો દાન સ્વરૂપે પ્રાપ્ત થયેલ છે.
શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યોની ઉપસ્થિતિમાં આ બેન્ચિસ તથા રમતગમતનાં સાધનોની અર્પણવિધિ કરવામાં આવી હતી. આ તબક્કે બાળકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. આ તકે બાળકો માટે કેક સાથે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. રમણલાલની શાળામાં અભ્યાસ કરતાં ગરીબ મધ્યમવર્ગીય બાળકોની શૈક્ષણિક જરૂરિયાત પરિપૂર્ણ કરવાની ઉદ્દાત ભાવનાને ગ્રામજનોએ બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતાં. અંતમાં રમણલાલે સખાવતી સંસ્થા રોટરી ક્લબ તથા તેનાં હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other