ઓલપાડની કરંજ પ્રાથમિક શાળામાં બાળકોને ડીશ વિતરણ સહિત તિથિભોજન આપવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : મનુષ્ય ઉપર રહેલાં ત્રણ પ્રકારનાં ઋણ એવાં દેવ ઋણ, આચાર્ય ઋણ અને પિતૃ ઋણ પૈકી પિતૃ ઋણ અર્પણ કરવાનાં શુભ ભાવ સાથે કરંજ ગામનાં વતની દિનેશભાઈ અમરતભાઈ પટેલ દ્વારા પોતાનાં ગામની પ્રાથમિક શાળામાં સ્ટીલ ડીશ વિતરણ સહિત તિથિભોજન યોજવામાં આવ્યું હતું.
પોતાનાં સ્વર્ગસ્થ પિતા અમરતભાઈનાં સ્મરણાર્થે દિનેશભાઈ પટેલે ધર્મપત્ની દિપીકાબેન સાથે શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકોને દાળ, ભાત, શાક, પુરી, કચુંબર, લાડુ અને છાશ જેવું પૌષ્ટિક ભોજન ભાવપૂર્વક પીરસ્યું હતું. જેમની સાથે શાળાનાં ઉપશિક્ષકો નિલેશ પટેલ, પારુલ પટેલ, મિનાક્ષી પટેલ, અમિષા પટેલ તથા એસ.એમ.સી. અધ્યક્ષ ચેતનાબેન પટેલ જોડાયા હતાં. ભોજનનો આસ્વાદ માણ્યા બાદ બાળકોને દિનેશભાઈએ ચોકલેટ અને સ્ટીલ ડીશનું વિતરણ કર્યુ હતું. આ તકે તેમણે સૌ બાળકોને શૈક્ષણિક પ્રગતિ માટે આશીર્વચન પાઠવ્યા હતાં. આ તકે તમામ બાળકોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
અંતમાં ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહિલા ઉપપ્રમુખ એવાં સ્થાનિક શાળાનાં આચાર્યા જાગૃતિ પટેલે શાળાનાં બાળકો તેમજ સ્ટાફગણ વતી દાતા દિનેશભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.