સોનગઢના આમલીપાડા ગામે ઇન્ડિયન ઓઇલ કંપનીની પાઇપ લાઈનમાંથી ડીઝલ લીકેજ થઈ આગ ફાટી નીકળતાં ગ્રામજનો ભયભીત
જિલ્લા ડિઝાસ્ટર તંત્ર એકશન મોડમાં આવતા ફાયર બ્રિગેડ,આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોચી
આધુનિક સુવિધાઓથી સજ્જ કંપનીના ટેક્નિશિયનો પોતાના કૌશલ્યથી પાઇપ લાઈન સત્વરે રિપેર કરી
ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા ગામ ખાતે સફળ રીતે મોકડ્રિલ નું આયોજન હાથ ધરી ઝીરો કેજ્યુલીટીથસ તમામ કામગીરી સૂપેરે સંપન્ન કરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આમલીપાડા ગામ નજીક થી પસાર થતી ઇન્ડિયન ઓઇલ કંપની ની પાઇપ લાઈન માં શુક્રવારે સવારે અચાનક જ ડીઝલ લીકેજ થયા બાદ આગ ફાટી નીકળતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.આ સંદર્ભે કંપની દ્વારા તાપી જિલ્લા વહીવટી વિભાગ ને જાણ કરવામાં આવતાં તાત્કાલિક નગર પાલિકા ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ, દ.ગુ વીજ કંપનીનો સ્ટાફ, પોલીસ તંત્ર ના લોકો સ્થળ પર પહોંચી ગયા હતાં અને કંપની ના સ્ટાફ સાથે મળી પાઇપ લાઈન માં થયેલું લીકેજ બંધ કરવામાં સફળતા મેળવી હતી.
સોનગઢના બરડીપાડા ગુણસદા ખાતે કાર્યરત ઇન્ડિયન ઓઇલ ના પાઇપ લાઈન ડેપો દ્વારા શુક્રવારે સવારે આમલીપાડા ગામે મામલતદાર સોનગઢ નલિની બહેન ચાંપાનેરીયાના અધ્યક્ષ સ્થાને ઓફ સાઈડ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શરૂઆતમાં કંપની ની પાઇપ લાઈન નો ચેકિંગ સ્ટાફ એક ખેતર માં ચેકિંગ દરમિયાન પાઇપ લાઈન માં લીકેજ નિહાળે છે અને તે પ્રથમ મુખ્ય પ્રચાલન પ્રબંધક જી.સી. વહાણે ને જાણ કરી હતી. જેથી તેઓ પ્રથમ કંપનીમાંથી સ્ટાફને મોકલી લીકેજ પર કાબુ મેળવવા પ્રયાસ કરે છે અને આ જ સમય દરમિયાન લીકેજના સ્થાને અચાનક આગ ફાટી નીકળે છે. જો કે કંપનીના ઓછાં સંસાધનના કારણે તેઓ આગ પર કાબુ મેળવી શકતાં નથી જેથી પ્રચાલન પ્રબંધક પ્રિયેશ કુમાર અને એચ. આર. ગવળી દ્વારા જિલ્લા વહીવટી તંત્ર ને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી અને મદદ માંગી હતી અને નજીક આવેલા પેપર મિલ તથા ઉકાઈ થર્મલ ના ઇમરજન્સી સ્ટાફ, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર ને પણ જાણ કરવામાં આવી હતી. સોનગઢ પાલિકાના ફાયર બ્રિગેડના જવાનો એ આગ પર પાણી અને કેમિકલનો છટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો જ્યારે ઇન્ડિયન ઓઇલ કંપનીના ટેક્નિશિયનોએ આધુનિક સાધનોનો ઉપયોગ કરી પાઇપ લાઈન લીકેજ ના સ્થાને કલેમ્પ મારી પાઇપ લાઈનનું લીકેજ બંધ કરી દીધું હતું. એકાદ કલાકની કામગીરી બાદ આ સમગ્ર પ્રક્રિયા મોક ડ્રિલ હોવા નું જાહેર કરવામાં આવ્યું હતું તેમજ આ મોક ડ્રિલ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. ગ્રામજનોને હાશકારો થયો હતો.
આ કાર્યક્રમમાં પોસઇ કે.એલ. ચૌધરી સહિત આરોગ્ય, દ. ગુ.વીજ કંપની અને તાપી જિલ્લા આપત્તિ વ્યસ્થાપન ના પ્રતિનિધિ સહિત ગામના સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
૦૦૦૦૦૦૦૦૦૦