તાપી જિલ્લામાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરે તે માટેના જિલ્લા તંત્રના સક્રિય પ્રયાસો
તાપી જિલ્લામાં ૧૮ હજાર ૬૭૪ ખેડૂતો ૯ હજાર ૪૮૭ એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરે છે.
–
(પ્રતિનિધિ. દ્વારા, વ્યારા) : તા.૧૩: તાપી જિલ્લો બહુલ આદિવાસી વસતી ધરાવતો જિલ્લો છે. જેમા પ્રાકૃતિક સંપદા, નયનરમ્ય પહાડીઓ, નદીઓ, ઝરણાઓ, તળાવો વગેરે આવેલા છે. અહીંના લોકો આર્થિક દ્રષ્ટિએ મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત છે. ત્યારે તાપી જિલ્લાના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સક્રિય પ્રયાસો હાથ ધરાયા છે.
તાપી જિલ્લાના ૧ હજાર ૩૧ ખેડૂતોને “દેશી ગાય નિભાવ ખર્ચ યોજના” હેઠળ ૨૦૨૩-૨૪ માં રૂપિયા ૯૯.૮૪ લાખનો લાભ આપવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે, કુલ ૨૮ ક્લસ્ટર બનાવી ૧ હજાર ૬૬૪ તાલીમ કાર્યક્રમો અંતર્ગત ૪૩ હજાર ૨૭૦ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમો તથા પ્રેરણા પ્રવાસો દ્વારા પ્રાકૃતિક ખેતી પ્રત્યે સજાગ કરવામાં આવ્યા છે. જેની સફળતાને પગલે ૧૮ હજાર ૬૭૪ ખેડૂતો ૯ હજાર ૪૮૭ એકર વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે.
અહીં કુલ ૯૩ પંચાયતોમાં ૭૫ કરતા વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે. જે પૈકી ૫૮ જેટલા ખેડૂતોના ખેતરના માટીના નમુનાનું, જમીન ચકાસણી પ્રયોગ શાળામાં પૃથ્થકરણ કરવામાં આવ્યુ, જેમાં ૯૫% ખેડૂતોના જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં વધારો જોવા મળ્યો છે. તથા ૧૩ ખેડૂતોના પાક ઉત્પાદનનાં નમુના, નવસારી કૃષિ યુનિવર્સીટીમાં ચેક કરવામાં આવ્યા. જે તમામ નમુનામાં રાસાયણિક દવા ખાતરના રેસીડ્યુ જોવા મળેલ નથી.
આ તમામ અભિયાનના પ્રતાપે તાપી જિલ્લામાં કુલ ૯૮ મોડેલ ફાર્મ બનાવવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ હેઠળ કુલ રૂપિયા ૧૩.૨૩ લાખનો લાભ પણ આપવામાં આવ્યો છે.
તાપી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે પ્રાકૃતિક ખેતી વેચાણ કેન્દ્રની વ્યવસ્થા પણ જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેના માટે જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ મળી કુલ ૮ વેચાણ કેંદ્ર અને ક્લસ્ટર લેવલે કુલ ૧૯ ખેડૂતો મળી કુલ ૩૩ જેટલા ખેડૂતો વેચાણ કરી રહ્યા છે. જેમાંથી કુલ રૂપિયા ૧૩ લાખ ૧૧ હજાર ૫૬૪ ની આવક ખેડૂતોને થવા પામી છે. આ સાથે વાલોડ અને નિઝર, કુકરમુંડા તાલુકા મળી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલ ખેડૂતોના કુલ ૨ FPO અને વાલોડ તાલુકાના FPO માં ૨૭૫ ખેડૂતો અને નિઝર-કુકરમુંડા તાલુકાના FPOમાં ૩૦૦ ખેડૂતો જોડાયેલા છે. જે પૈકી વાલોડ તાલુકાના FPO દ્વારા ઓનલાઇન વેચાણનું પણ આયોજન કરાયું છે.
ગુજરાત સહિત સમગ્ર વિશ્વ આજે કૃષિ અને બાગાયતી ખેતીમાં રસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગની આડ અસરોનો ભોગ બની રહ્યું છે ત્યારે, ‘જગતના તાત’નું બીરૂદ પામેલા તમામ ખેડૂતો મિત્રોએ પ્રાકૃતિક ખેતી અપનાવી ધરતી માતા સહિત માનવજાતના જતન માટે આ મહાઅભિયાનમાં સહભાગી થવું જરૂરી છે.
00000