બેંક ઓફ બરોડા મોરભગવા શાખા દ્વારા ભગવા પ્રાથમિક શાળામાં વોટર કૂલરની ભેટ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : દેશ વિદેશની સાર્વજનિક ક્ષેત્રની અગ્રણી બેંકો પૈકીની એક એવી ઓલપાડ તાલુકાનાં મોર ગામ સ્થિત બેંક ઓફ બરોડા દ્વારા સેવાકીય ભાવનાથી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ભગવા પ્રાથમિક શાળાને વોલ્ટાસ કંપનીનું વોટર કૂલર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું.
બ્રાન્ચ મેનેજર સૌમેન્દ્ર દાસ તથા બેંક સ્ટાફગણે શાળામાં ઉપસ્થિત રહીને બાળકોને પોતાનાં વરદ હસ્તે વોટર કૂલર અર્પણ કર્યુ હતું. આ પ્રસંગે બ્રાન્ચ મેનેજર સૌમેન્દ્ર દાસે જણાવ્યું હતું કે બેંક ઓફ બરોડા વિશ્વસનીયતા અને પ્રગતિનાં પ્રતિકરૂપે કામ કરી રહી છે. તે ગ્રાહક કેન્દ્રિત બેન્કિંગ પ્રથાઓને ઉજાગર કરી રહી છે.
આ તકે શાળાનાં આચાર્ય જયેશભાઈ વ્યાસે બાળકો સમક્ષ બેંક વિશે સંક્ષિપ્ત માહિતી રજૂ કરી હતી. અંતમાં ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ અને સ્થાનિક શાળાનાં ઉપશિક્ષક એવાં ગિરીશભાઈ પટેલે બેંકનો સમગ્ર શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.