પ્રાકૃતિક ખેતીને અપનાવી બમણી આવક મેળવતા ઉચ્છલના ખેડૂત રતિલાલભાઈ વસાવા
રતિલાલ વસાવા તાપી જિલ્લાના ખેડૂતો માટે પ્રેરણારૂપ
–
લોકોના જીવનશૈલીમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે પ્રાકૃતિક ખેતી આ સમયની માંગ છે. – રતિલાલ વસાવા
–
મુખ્ય પાક સાથે આંતર પાકોનું ઉત્પાદન કરીને આજે મારી આવક બમણી થઈ છે. – રતિલાલ વસાવા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૧: રાસાયણિક ખાતર જમીનની ફળદ્રુપતા સહિત માનવજાતને નુકસાન પહોંચાડી રહી છે, તાપી જિલ્લાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો પ્રેરણાદાયી અને પરિણામલક્ષી પ્રયાસ કરીને અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યાં છે. ઉચ્છલ તાલુકાના માણેકપોર ગામના સફળ ખેડૂત શ્રી રતિલાલભાઈ વસાવા જૂની અને પરંપરાગત ખેતી પદ્ધતિને અપનાવીને ઝેરમુક્ત ખેતી કરતા થયા છે.
રાસાયણિક ખેતીના દુષ્પરિણામને ધ્યાને લઈને વર્ષ 2019 થી પ્રાકૃતિક ખેતીની હાંકલ કરનાર શ્રી વસાવા જણાવ્યું કે, હું શેરડીનો મુખ્ય પાક લઉ છું આ સાથે કાંદા,કોબી,ફ્લાવર,મગફળી,ભીંડા અને મગ જેવા આંતરિક પાક લઉં છું. ઉપરાંત મેં ૫૦ ગુંઠામાં જંગલ મોડેલ આધારિત ખેતી કરી છે જેમા મુખ્ય પાક આંબા છે, અને અંતારિક પાક તરીકે કેળા,પપૈયા, સીતાફળ, અંજીર, સંતરા, સફરજન,દ્વાક્ષ, હળદર જેવા પાકોનું ઉત્પાદન કરીને આજે મારી આવક બમણી થઈ છે.
આ ઉત્પાદનનું હું તાપી જિલ્લા સેવા સદન ખાતે તથા મારા પોતાના ગ્રાહકોને તથા સુરત જેવા શહેરમાં પણ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળફળાદી-શાકભાજીનું વેચાણ કરું છું અને મને સારી એવી આવક પણ મળી રહે છે.
વધુમાં રતિલાલભાઇ જણાવે છે કે, મારી પાસે દેશી ગાયો છે જેના થકી હું ઘરે જ જિવામૃત,ઘનજીવામૃત,બીજામૃત બનાવી ખેતીમાં ઉપયોગ કરું છું.મારી જમીન પણ ફળદ્રુપ બની છે. આ ખેતી સૌથી સફળ ખેતી છે. જમીન અને પર્યાવરણ સ્વસ્થ રહે છે અને આપણને ઝેરમુક્ત અનાજ પણ મળે છે. જેથી સૌ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી જોઇએ.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિને વિશેષ પ્રાધાન્ય આપી રહ્યાં છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે જનજાગૃતિ કાર્યક્રમો, તાલીમોનું આયોજન કરી રહી છે. ત્યારે તાપી જિલ્લાના ખેડૂતોએ પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો નિર્ધાર કર્યો છે.
પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત શાકભાજી-ફળોનો સ્વાદમાં ઘણો તફાવત હોય છે. આજે જેવી રીતે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, લોકોમાં બિમારીનું પ્રમાણ વધી રહ્યું છે, કેન્સર, ટીબી જેવી અનેકવિધ ભયાનક બિમારીઓનું પ્રમાણ પણ વધ્યું છે. ત્યારે લોકોની જીવનશૈલીમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે પ્રાકૃતિક ખેતીએ આજના સમયની માંગ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે તાપી જિલ્લામાં અધિકારીઓ, વૈજ્ઞાનિકો, કૃષિ નિષ્ણાંતો પણ ખેડૂતોને માર્ગદર્શિત કરી રહ્યા છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પણ સમયાંતરે કાર્યશાળા યોજીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરિત કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો, ઉત્પાદન વધુ, જમીનની ફળદ્રુપતા વધે છે તેમજ આવકમાં પણ વધારો થાય છે. ટૂંકમાં પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધતા સૂક્ષ્મ જીવો અને પોષક તત્વોનું પ્રમાણ વધે છે.
૦૦૦૦૦૦૦